સાપુતારા : ડાંગ જિલ્લાના સુબીર ખાતે તારીખ ૬ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ સુબિર વન અધિકારી દ્વારા સુબીર ગામનાજ સ્થાનિક આદિવાસી યુવાન નીલેશભાઈ ઝાબરે ને લાકડા ચોરીની મામલે અટકાયત કરી માર માર્યાની ઘટનામાં ૪ વર્ષ બાદ આહવા એડીશનલ સેસન્સ કોર્ટે તપાસ નો હુકમ કર્યો છે,સમગ્ર ઘટના બાબતે ફરિયાદી નીલેશ ઝાબરે ના જણાવ્યા મુજબ તારીખ ૬ ઓગસ્ટ ૨૦૧૮ નાં રોજ હું મારી કાર લઈને સુબીરથી ઇસખંડી ગામે પેસેન્જર ઉતારી પરત આવી રહ્યો હતો ત્યારે, આરોપી સુબીર રેન્જના આર.એફ.ઓ અનીલ પ્રજાપતિ,બીટ ગાર્ડ વાની,રાઉન્ડ ફોરેસ્ટર ગાંગુર્ડે અને વોચમેન સીતારામ દ્વારા ખોટી રીતે મારી પાસે લાકડા ચોરી કબુલાત કરાવવા માટે અત્યાચાર કર્યો હતો,મને માર માર્યો હતો અને ફોરેસ્ટ વિભાગની ગાડી માંથી લાકડા લાવી મારી કારમાં મૂકી દઈને મને ચોર સાબિત કરવા માટે ષડ્યંત્ર રચ્યું હતું.
આરોપીઓ દ્વારા ફરિયાદી ને એટલી હદે મારવામાં આવ્યો હતો કે જેતે સમયે સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવી પડી હતી,સ્થાનીક આગેવાનો ની ભલામણ બાદ પણ પોલીસ વિભાગમાં ફરિયાદ દાખલ ન થતા આખરે ન્યાય ન મળતા નવસારી સિવિલ કોર્ટ મારફત આહવા સિવિલ કોર્ટ માં ફરિયાદ દાખલ કરી હતી.આટલા વર્ષોમાં લોન ઉપર લીધેલ કાર ની ઇએમઆઈ ઘરનો ખર્ચ અને સારવાર બાદ લાંબા સમય સુધી ઘરે આરામ કરવા બદલ બેકાર બનતા હાલ ફરીયાદી આર્થિક પરીસ્થીતી ખુબજ નાજુક છે.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ ની ઘટના મામલે ફરિયાદી ની ફરિયાદ,વેરિફિકેશન,ફરિયાદીનું નિવેદન,ફરિયાદી તરફે રજુ કરવામાં આવેલ સાહેદોનું નિવેદન થતા મેડીકલ ઓફિસર નું નામદાર કોર્ટ સમક્ષ રૂબરૂ નિવેદન તેમજ દલીલો ને ધ્યાનમાં રાખી જેતે સમયના આરોપી સુબીર રેન્જના આર.એફ.ઓ અનીલ પ્રજાપતિ અને બીટ ગાર્ડ વાની,રાઉન્ડ ફોરેસ્ટર ગાંગુર્ડે અને વોચમેન સીતારામ ગાવિત વિરુધ ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનાની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવા આહવા એડીશનલ સેસન્સ કોર્ટે તારીખ ૨૩ મ ૨૦૨૨ નાં રોજ હુકમ કર્યો છે.જેને લઈને ફરીયાદી નીલેશ ઝાબરે ને આટલા વર્ષ બાદ ન્યાય મળે તેવી આશા દેખાઈ રહી છે.


