અમદાવાદ : રાજ્યમાં ધોરણ-9 અને 11માં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થવાને પગલે આ બંને ધોરણમાં ચાલુ વર્ષે રિ-ટેસ્ટ લેવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠવા પામી હતી.આ અંગે સંચાલક મંડળ,બોર્ડના સભ્ય,સ્કૂલો તથા વાલીઓ તરફથી બોર્ડ સમક્ષ રજૂઆત થયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રિ-ટેસ્ટ યોજવાનો નિર્ણય કર્યો છે.રિ-ટેસ્ટ શાળા કક્ષાએ જ યોજવાની રહેશે અને તેનો કાર્યક્રમ અને પ્રશ્નપત્ર પણ શાળાકક્ષાએ જ તૈયાર કરવાના રહેશે.રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય ત્યારબાદ આ પરીક્ષા યોજવા માટે સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા બે વર્ષથી કોવિડની સ્થિતિને કારણે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યું હતું.વચ્ચે વચ્ચે અમુક સમય માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.ત્યારબાદ છેલ્લે ફેબ્રુઆરી,2022થી સ્કૂલોમાં રાબેતા મુજબ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.આમ,લાંબા સમય સુધી ઓનલાઈન શિક્ષણના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી અને તેની અસર તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-9 અને 11ની પરીક્ષામાં પણ જોવા મળી હતી.
સ્કુલો દ્વારા લેવામાં આવેલી ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.આમ,વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવતા સંચાલક મંડળ દ્વારા ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.ત્યારબાદ વાલીઓ દ્વારા પણ બોર્ડ સમક્ષ રિ-ટેસ્ટ માટે રજૂઆત કરાઈ હતી.ઉપરાંત સ્કૂલ દ્વારા પણ રિ-ટેસ્ટની માંગણી કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં વાલીઓ દ્વારા સ્કૂલો પર જઈ રિ-ટેસ્ટ લેવાશે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.દરમિયાન હવે શિક્ષણ બોર્ડના સભ્યએ પણ ચેરમેનને પત્ર લખીને રિ-ટેસ્ટ યોજવા માટે માગણી કરી હતી.
ડો.પ્રિયવદન કોરાટે બોર્ડના ચેરમેનને પત્ર લખ્યો હતો,જેમાં કોવિડને કારણે ધોરણ-9 અને 11માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી ભૂતકાળની જેમ આ વખતે પણ રિ-ટેસ્ટ લેવામાં આવે તેવી માગણી કરી હતી અને વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓનું મહત્વનું વર્ષ બગડતું અટકશે તેમ જણાવ્યું હતું.આમ,શિક્ષણ બોર્ડ સમક્ષ ચોમેરથી રિ-ટેસ્ટ માટેની રજૂઆતો આવતા બોર્ડ દ્વારા આ અંગેની ફાઈલ સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલી આપી હતી.જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની વધુ એક તક મળી રહે તે માટે રિ-ટેસ્ટ માટે મંજૂરી આપી હતી.જેથી શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવાની વધુ એક તક મળી રહેશે.


