કીવ : રશિયાએ યુક્રેનને પશ્ચિમી દેશો દ્વારા આપવામાં આવતા મિલિટરી સપ્લાયને લક્ષ્યાંક બનાવીને રવિવારે હવાઈ હુમલા કર્યા હતા અને વિદેશમાંથી મળેલી આશરે ૫૦થી વધુ ટેન્કોનો કીવમાં નાશ કર્યો હતો.પ્રમુખ વ્લાદિમિર પુતિને ધમકી આપી હતી કે જો પશ્ચિમ દેશો યુક્રેનને લોંગ રેન્જ રોકેટ સિસ્ટમનો સપ્લાય આપશે તો મોસ્કો અત્યાર સુધી હુમલા નથી કર્યા તેવા ઓબ્જેક્ટ્સ પર પ્રહાર થશે લશ્કરી હુમલાને તેજ બનાવવાની આ ગર્ભિત ધમકીમાં નવા ટાર્ગેટ કયા હશે તેની સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ અમેરિકાએ 70 કરોડ ડોલરની સુરક્ષા સહાય આપવાની જાહેરાત કર્યા બાદ આ ધમકી આપવામાં આવી છે. અમેરિકાએ યુક્રેનને મીડિયમ રેન્જની રોકેટ સિસ્ટમ્સ,હેલિકોપ્ટર્સ,જેવલિન એન્ટી ટેન્ક વીપન સિસ્ટમ્સ,રડાર,ટેક્ટિકલ વ્હિકલ,સ્પેર પાર્ટસ સહિતની લશ્કરી સહાયની યોજના જાહેર કરી છે.
લશ્કરી નિષ્ણાતો જણાવે છે કે પશ્ચિમ દેશોની લશ્કરી સહાય પહોંચે તે પહેલા રશિયા પૂર્વીય ડોનબાસ વિસ્તારનો કબજો કરવાની આશા રાખે છે.ડોનબાસમાં બળવાખોરો પણ વર્ષોથી યુક્રેન સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે.આ સપ્તાહના પ્રારંભમાં પેન્ટાગોને જણાવ્યું હતું કે અમેરિકાને યુદ્ધના મેદાનમાં શસ્ત્રો અને તાલીમબદ્ધ લશ્કરી દળો ઉતારતા ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ લાગશે.
રશિયાના લશ્કરી દળોએ કીવમાં રેલવે સ્ટેશનો અને બીજી માળખાગત સુવિધા પર બોંબવર્ષા કરી હતી.કીવમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી ભેદી શાંતિ હતી. યુક્રેનની ન્યુક્લિયર ઓપરેટર કંપની એનર્ગોટોમે જણાવ્યું હતું કે પિવડેનોક્રેનસ્ક ન્યુક્લિયર પ્લાન્ટ પર એક ક્રૂઝ મિસાઇલનો અવાજ સંભળાયો હતો.રશિયાએ કીવમાં 28 એપ્રિલ પછીથી આવા હવાઇહુમલા કર્યા ન હતો.જોકે રવિવારે વહેલી સવારે હવાઇ હુમલાને સાઇરસ વાગી ઉઠી હતી,જે દર્શાવે છે કે રશિયા પાસે હજુ પણ યુક્રેનની રાજધાની પર હુમલા કરવાની ક્ષમતા અને મનોબળ છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સચોટ લોંગ રેન્જ એર મિસાઇલનો ઉપયોગ કરાયો હતો.


