અમદાવાદ : જીટીયુ સંલગ્ન અમદાવાદ જિલ્લાની એક ખાનગી ડિગ્રી ઈજનેરી કોલેજના સાતમાં સેમેસ્ટરના ૫૧ વિદ્યાર્થીઓમાંથી ૪૬ વિદ્યાર્થી એક જ વિષયમાં એક સાથે નાપાસ થયા છે.જેને લઈને વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અન્ય તમામ વિષયમાં સારા માર્કસ આવ્યા છે અને આઠમા સેમેસ્ટરમાં પણ સારુ પરિણામ છે ત્યારે સાતમા સેમેસ્ટરના એક જ વિષયમાં ખોટી રીતે જીટીયુ દ્વારા રિઝલ્ટ અપાયુ છે.જેથી ૪૬ વિદ્યાર્થીઓનું આખુ વર્ષ બગડે તેમ છે.આ બાબતે રજૂઆત કરવા છતા જીટીયુ દ્વારા કોઈ જવાબ અપાતો નથી.
અમદાવાદ નજીક જેતલપુર ખાતે આવેલી નરનારાયણ શાસ્ત્રી ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં કમ્પ્યુટર સાયન્સ બ્રાંચમાં અભ્યાસ કરતા ૫૧ વિદ્યાર્થીઓમાંથી ૪૬ વિદ્યાર્થીઓ મશિન લર્નિંગના વિષયમાં નાપાસ થયા છે.ગત ડિસેમ્બરમાં લેવાયેલી વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓના જાહેર થયેલા પરિણામમાં આ કોલેજના ૪૬ વિદ્યાર્થીઓ એક સાથે એક જ વિષયમાં નાપાસ કરાયા છે હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે.આ બાબતે કોલેજના આચાર્ય દ્વારા પણ જીટીયુને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.વિદ્યાર્થીઓએ આ વિષયની ઉત્તરવહીઓ આરટીઆઈમાં પણ મેળવી હતી અને વિદ્યાર્થીઓની ફરિયાદ છેકે ઉત્તરવહીઓમાં પુરી રીતે જવાબ લખવામા આવ્યા છે તેમજ અન્ય શિક્ષકો પાસે ચેક પણ કરાવ્યુ છે.જીટીયુના એસેસમેન્ટમાં ચેકિંગ કર્યા વગર આડેધડ એક-બે માર્કસ મુકી વિદ્યાર્થીઓનું ખોટી રીતે એસેસમેન્ટ કરી પરિણામ આપી દેવાયુ છે.
આ બાબતે જીટીયુને રીએસેસમેન્ટ કરી પરિણામ સુધારવા રજૂઆત કરવામા આવી છે અને અનેકવાર જીટીયુ ખાતે વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે.જીટીયુ દ્વારા રીએસસેસમેન્ટ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ કે પરિણામ સુધારવા બાબતે કોઈ જવાબ પણ અપાયો નથી.વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે આઠમા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને જેના પરિણામમાં તમામ વિદ્યાર્થીઓ તમામ વિષયમાં પાસ છે એટલુ જ નહી વિદ્યાર્થીઓને ૮થી૧૦ સીજીપીઆઈ આવ્યા છે.માત્ર સાતમા સેમેસ્ટરમાં એક વિષયમાં બેકલોગ હોવાથી અને આ વર્ષથી જીટીયુએ એક બેકલોગ હોય તો આઠમા સેમેસ્ટરની માર્કશીટ પણ નહી આપવાનો નિયમ કરતા હવે આ ૪૬ વિદ્યાર્થીઓનું આખુ વર્ષ બગડે તેમ છે.મહત્વનું છે કે અગાઉ પણ અન્ય કેટલીક કોલેજમાં એક સાથે ઘણા વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ બાદ નાપાસનુ પરિણામ આવ્યાની ફરિયાદો થઈ ચુકી છે.


