અમદાવાદ : રવિવાર,5 જુન,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર સફાળુ જાગ્યુ છે.વિશ્વ પર્યાવરણ દિવસે તંત્ર તરફથી શહેરમાં હવાની ગુણવત્તા સુધારવામાં પ્રદાન આપનારા નાગરિકોને પ્રોત્સાહીત કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.આ સાથે જ દરેક શહેરીજનોને તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી છે કે,તેઓ અઠવાડીયામાં ઓછામા ઓછો એક દિવસ પોતાના ઘરેથી વ્યવસાયના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કરે.
પાંચ જુનનો દિવસ વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણલક્ષી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય એ દિશામાં પ્રદાન કરનારા નાગરિકોને તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે નાગરિકોએ પર્યાવરણની સુરક્ષા કે હવાની ગુણવત્તામાં સુધારો થાય એવી પ્રવૃત્તિ કરી હોય તે તમામને તેમણે કરેલી પ્રવૃત્તિના ફોટોગ્રાફ કે વિડીયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર નોંધાવી શકશે.આ માટે લીંક ઉપલબ્ધ કરાવવામાં આવશે.સપ્તાહમાં દરેક નાગરિક ઓછામા ઓછા એક દિવસ માટે સાયકલનો ઉપયોગ કરે.ઉપરાંત જો શકય હોય તો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરે એવી અપીલ પણ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી છે.
આ ઉપરાંત યુવાવર્ગ પણ પોતાની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી શકે એ હેતુથી સ્માર્ટસિટી અમદાવાદ દ્વારા કલાઈમેન્ટ વોરિયર્સ તરીકે નોંધણી કરવા સોશિયલ મિડીયા ઉપર પાંચ જુનથી બાર જુન દરમ્યાન પોતાના અનુભવો અમદાવાદ કલાઈમેટ વોરિયર્સ ઉપર રજુ કરી શકશે.આ ઉપરાંત ઈકોફ્રેન્ડલી ફ્રાઈડે કેઈમ્પેઈન હેઠળ દસ જુનથી એક વર્ષ માટે નાગરિકો હવાની શુધ્ધતા જાળવવા અંગેની પ્રવૃત્તિઓ જેવી કે સાઈકલીંગ,જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વગેરે એક વર્ષ સુધી સોશિયલ મિડીયા ઉપર રજુ કરી શકશે.ઈકોફ્રેન્ડલી ફ્રાઈડે અમદાવાદ ઉપર પોતાના અનુભવો રજુ કરી શકાશે.આ અનુભવો રજુ કરનારાઓને યોગ્ય સમયે સન્માનિત કરવામાં આવશે.


