સુરત : એસ.ટી.નિગમના સુરત ડેપો મેનેજરનું યુઝરનેમ અને પાસવર્ડ ચોરી બસ ઉપડયા બાદ 60 ટ્રીપ કેન્સલ કરી નિગમને રૂ.6.13 લાખનો ચૂનો ચોપડનાર ગોંડલ ડેપોના કંડકટર,ગોંડલ અને દાહોદના ચાર એજન્ટની સુરત સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.પોરબંદર ડેપોમાં પણ આવું જ કૌભાંડ થયાની ત્યાંના સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હોય આ ટોળકીએ ગુજરાતમાં અન્ય ડેપોમાં પણ કૌભાંડ કર્યાની શક્યતા છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતથી ઉપડતી ગુજરાત એસ.ટી.નિગમની બસની ટ્રીપ કેન્સલ કરવાની સત્તા માત્ર ડેપો મેનેજર પાસે હોવા છતાં સુરત ડેપો મેનેજર વિરેન્દ્રકુમાર રમેશભાઇ પવારની જાણ બહાર કોઈક ભેજાબાજે તેમનું યુઝરનેમ અને પાસવર્ડ ચોરી ગત 17 એપ્રિલથી 12 મે દરમિયાન સુરત ડેપોથી બસ ઉપડયા બાદ 60 ટ્રીપ કેન્સલ કરતા નિગમ માન્યતા પ્રાપ્ત 11 એજન્ટોને રૂ.1,57,864 નું રિફંડ મળ્યું હતું.
જયારે મુસાફરી કરી હોવા છતાં ટ્રીપ કેન્સલ થતા ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર મુસાફરોને પણ રિફંડ મળતા નિગમને કુલ રૂ.6,12,813 નું નુકશાન થયું હતું.આ પ્રકરણમાં ડેપો મેનેજરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગત બુધવારે ફરિયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આજરોજ ગોંડલ ડેપોમાં ફરજ બજાવતા કંડકટર અને ગોંડલ-દાહોદના ચાર એજન્ટની ધરપકડ કરી છે.તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન કબજે કરી પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ગોંડલ ડેપોના કંડકટર અનવરભાઈ આકબાણીએ ઓનલાઈન ટિકિટની માહિતી ગોંડલના એજન્ટ કુલદીપસિંહને 50 ટકા કમિશન મેળવી પહોંચાડી હતી.જોકે,કુલદીપસિંહને તો માત્ર રૂ.2800 નું જ રિફંડ મળ્યું હતું.જયારે વધુ રિફંડ દાહોદના વિપુલ મોહનીયાઅને ચીંતન પંચાલને મળ્યું હતું.આ પ્રકરણમાં સુરતના ડેપો મેનેજરના યુઝરનેમ અને પાસવર્ડની ચોરી કરનાર હજુ બાકી હોય તે એસ.ટી.નો જ કોઈક કર્મચારી હોવાની આશંકા છે.આથી એસ.ટી.ના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા સાયબર ક્રાઈમ પોલીસ કરી રહી છે. દરમિયાન,પોરબંદર ડેપોમાં પણ આવું જ કૌભાંડ થયાની ત્યાંના સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હોય આ ટોળકીએ ગુજરાતમાં અન્ય ડેપોમાં પણ કૌભાંડ કર્યાની શક્યતા છે.

