મુંબઈ : રાજ્યસભાની આગામી તા.૧૦મી જુને યોજાનારી ચૂંટણીમાં છઠ્ઠી બેઠક જીતવા ભાજપ અને શિવસેના વચ્ચે કસોકસની લડાઈ થવાની છે તેવા સમયે જ માજી મુખ્યપ્રધાન અને વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ થતાં તેઓ હવે છેલ્લી ઘડીની વ્યૂહરચનામાં રુબરુ હાજર નહીં રહે શકે. ઘરે હોમ ક્વોરન્ટાઈન રહીને જ પરોક્ષ સંપર્કથી સંકલન સાધવું પડશે.ભાજપે રેલવે પ્રધાન અશ્વિની વૈશ્ણવને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.તેમણે રવિવારે રાજ્યના ભાજપના અન્ય નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી.ભાજપે આશીષ સેલાર,ગિરીશ મહાજન તથા પ્રસાદ લાડને પણ અન્ય પક્ષો તથા અપક્ષ ધારાસભ્યોનું સમર્થન સુનિશ્ચિત કરવા માટે જુદી જુદી કામગીરી સોંપી છે.
રાજ્યસભાની પાંચમાંથી ભાજપ બે અને શિવસેના,એનસીપી તથા કોંગ્રેસ એક-એક બેઠક જીતશે તે નક્કી છે.પરંતુ,ભાજપ ત્રીજી બેઠક પણ જીતવા ઈચ્છે છે.શિવસેનાએ પણ વધારાની બેઠક માટે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.બંનેે પોતાના ફાજલ મતો ઉપરાંત અન્ય પક્ષો તથા અપક્ષો પર મદાર રાખી રહ્યા છે.શિવસેનાએ પોતાના સમર્થક ધારાસભ્યોને ખાનગી હોટલમાં ખસેડવાનું નક્કી કર્યું છે.ભાજપે વધારાના ૧૪ મતો માટે જુદા જુદા નેતાઓને જવાબદારી સોંપી છે.પરંતુ તેનું તમામ સંકલન ફડણવીસ હસ્તક છે.અત્યારે વિધાનસભામાં ભાજપ પાસે ૧૧૩નું સંખ્યા બળ છે.ભાજપ બે ઉમેદવારને ચૂંટાતા ભાજપ પાસે બાકીના ૨૮ મત છે.


