અમદાવાદ : રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની રાહ જોવાઇ રહી છે ત્યારે ગરમીએ અંતિમ તબક્કામાં માજા મૂકી હોય તેમ ઘટવાનું નામ જ લઇ રહી નથી.આ દરમિયાન હવામાન વિભાગે 8મીથી બે દિવસ રાજ્યના દક્ષિણના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાંની શક્યતાઓ વ્યક્ત કરી છે.આજે પણ રાજ્યમાં ગરમી યથાવત્ રહી હતી.આજે પણ અમદાવાદ 42.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.નૈઋત્ય દિશા તરફથી હજુ જોઇએ તેવા ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં નથી.જેના કારણે ગરમી ઘટી રહી નથી.આજે પણ વિવિધ શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે અસહ્ય ગરમી વર્તાઇ હતી.હવામાં ભેજનું પ્રમાણ સવારે 60 ટકા નોંધાવા સાથે પારો પણ 34 ડિગ્રીની આસપાસ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.8 જૂનથી બે દિવસ દરમિયાન સુરત,તાપી,નવસારી,ડાંગ,દમણ સહિત ગીર અને સોમનાથ ઝાપટા પડવાની શક્યતાઓ છે.


