અમદાવાદ : IVF સેન્ટરમાં દંપતીને સંતાન તરીકે પુત્ર જ મળે તેવા કૌભાંડને દર્શાવતી‘ગિલ્ટી માઇન્ડ્સ’સિરિઝના એક પાર્ટ જેવો જ કેસ ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો છે.જેમાં રાજ્યમાં દીકરાની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઝડપથી ઓછી થઇ રહી હોવાના દાવા સાથે જાહેર હિતની અરજી કરવામાં આવી છે.જેમાં એવા આક્ષેપ કરાયા છે કે ગુજરાત અને એમાંય સુરતમાં IVF(ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ક્લિનિક ‘પુત્રપ્રાપ્તિ’માટેના ધમધમતા કેન્દ્રો બની રહ્યા છે.જ્યાં પુત્રીઓની ગર્ભમાં હત્યા કરાતી નથી પરંતુ સંતાન તરીકે માત્ર પુત્રથી ઝંખના કરતા દંપતીની ઈચ્છાઓની પૂર્તિ કરવામાં આવે છે.જેથી રાજ્યમાં દીકરાઓના પ્રમાણમાં દીકરીઓ ઘટી રહી છે અને સરેઆમ PCPNDT(પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ ટેકનિક્સ એક્ટ)નો ભંગ કરવામાં આવી રહ્યો છે.’ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે ટકોર કરી હતી કે,‘તમારી પિટિશનનો આશય સારો છે,પરંતુ મુદ્દા અને દાદ અધકચરા અને અપૂરતા છે.તેથી નવેસરથી ફ્રેશ પિટિશન કરો.’
પ્રસ્તુત મામલે અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા તરફથી એડવોકેટ ઝુબીન ભરજા અને એડવોકેટ ધ્રુવિક પટેલ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘રાજ્યમાં ગર્લ ચાઇલ્ડ(દીકરીના)રક્ષણ માટે આ જાહેરહિતની અરજી કરવામાં આવી છે.રાજ્યમાં PCPNDT કાયદો તો છે પરંતુ તેનો અમલ થતો નથી.કાયદાનો ભંગ થયો હોય તેવા ૩૮ કેસો રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા.જે પૈકી ૨૦ કેસોમાં આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.ચારથી પાંચ કેસો ચાલવા પર જ આવ્યા નહોતા અને મોટાભાગના કેસોમાં નિર્દોષ છોડાયા હોય તેમની વિરૂદ્ધ અપીલ પણ દાખલ કરવામાં આવી નથી.રાજ્યમાં IVF સેન્ટરો બિલાડીના ટોપની જેમ ખૂલી રહ્યા છે અને એની આડમાં‘પુત્રપ્રાપ્તિ’ની સંતાનહીન દંપતીની ઈચ્છા સંતોષવામાં આવી રહી હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આવા સેન્ટર ગર્ભમાં દીકરો જ આવે એવી યુક્તિઓ અપનાવે છે.’
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે ટકોર કરી હતી કે,‘જો આ ક્લિનિક કે લેબ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનું ઓથોરિટીને કહો તો તેઓ બોર્ડ મારશે કે કાયદાનો ભંગ થવો જોઇએ નહીં અને આવું કરવામાં આવી રહ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર જઇને તમે તપાસ કરો. છોકરા અને છોકરી વચ્ચેના રેશિયોમાં રાજસ્થાન કે અન્ય કોઈ એક રાજ્ય સિવાય કોઈ નોંધપાત્ર ઘટાડો થયો હોય એવું અમારા ધ્યાનમાં નથી.૧૦૦ કે ૮૦નો જ તફાવત છે.’
અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે,‘વર્ષ ૨૦૧૧ પછી વસતી ગણતરી કરવામાં આવી નથી.સુરતમાં ૨૦૦૧માં ૧૦૦૦ છોકરાઓ સામે ૮૫૯ છોકરીઓ હતી.ત્યારબાદ એ રેશિયો ઘટીને ૮૩૫ છોકરીઓ થઇ હતી.ત્યાર બાદના આટલા વર્ષોમાં આ રેશિયો હજુ પણ ચોક્કસથી ઘટ્યો જ હશે.જો આ ઘટતા રેશિયો ને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગર્લ ચાઇલ્ડ રહેશે જ નહીં.લગ્ન કરવા માટે છોકરીઓ પણ નહીં હોય.સુરતમાં IVF ક્લિનિક બિલાડીના ટોપની જેમ ખુલી રહ્યા છે.’
હાઇકોર્ટની ખંડપીઠે ફરીથી અરજદારને ટકોર કરી હતી કે,‘તમે જે દલીલ કરી રહ્યા છો એના માટેની દાદ કે જે તે ક્લિનિક વગેરે કાયદાનો અમલ ન કરી રહી હોય તેવું પિટિશનમાં ક્યાંક બતાવ્યું છે.’ અરજદાર તરફથી એક સ્ટિંગ ઓપરેશનનો હવાલો અપાયો હતો જેનું રિપોર્ટિંગ એક અખબારમાં થયું હોવાનો દાવો પણ કરાયો હતો.જોકે કોર્ટે તેના આધારે કંઇ ન કરી શકાય એવી ટકોર કરી હતી અને કહ્યું હતું કે,‘તમારી પિટિશનની દાદ જુઓ.યોગ્ય દાદ માગતી પિટિશન નવેસરથી કરો અમે ધ્યાનમાં લઇશું.’
ત્યારબાદ ફરીથી અરજદારે એવી વિનંતી કરી હતી કે,‘આ પિટિશનની સુનાવણી ખૂબ લાંબા સમય બાદ આવી છે તેથી મહેરબાની કરીને આ પિટિશનમાં અમને આ જ પિટિશનમાં સુધારા અરજીની તક આપવામાં આવે.’ખંડપીઠે ટકોર કરી હતી કે,‘તમે સારા કામ માટે આ અરજી કરી છે તેથી નવેસરથી ડોક્યુમેન્ટ સાથે પિટિશન કરો.તમારી દલીલોના આધાર પણ બદલાઈ જશે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર જઈને ડેટા લઇ આવો.આ પિટિશનનું પોસ્ટમોર્ટમ ન થઈ શકે.’ત્યારબાદ અરજદારે હાલ આ પિટિશન પરત ખેંચી છે અને હાઇકોર્ટે નવેસરથી ફ્રેશ પિટિશન કરવાની છૂટ આપીને રિટનો નિકાલ કર્યો છે.


