અમદાવાદ : નારોલ પોલીસની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે.જેમાં ઘર પાસે બાઇક પર બેઠેલા નિર્દોષ યુવકને 10 જેટલા પોલીસ કર્મીઓએ કંઈ બોલ્યા વગર જ લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું,પોલીસ કર્મીઓએ એટલો માર માર્યો હતો કે,યુવકના શરીર પર લાકડીઓના સોળ પડી ગયા હતા.આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.તો બીજી તરફ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ વીડિયો બાદ સફાળા જાગી નિર્દોષ યુવકને બે રહેમીથી ફટકારનાર પોલીસકર્મી સામે પગલાં લે છે કે નહીં તે જોવાનું રહ્યું.
નારોલમાં આવેલા નંદનવન હાઈ્ટસમાં રહેતા મંથન કટારીયા ફ્લેટની નીચે જાહેર રોડ પર રાત્રીના સમયે બાઈક પર બેઠો હતો.ત્યારે નારોલ પોલીસ સ્ટેશનના 10થી વધુ પોલીસ કર્મીઓ અચાનક મંથન પાસે આવ્યા હતા અને કંઈ પણ પ્રકારનું બોલ્યા ચાલ્યા વગર મારઝુડ કરવા લાગ્યા હતા.લાકડીઓના દંડા વડે મંથનને ઢોર માર મારવા લાગ્યા હતા.મંથનને એટલી હદે માર માર્યો હતો કે,તેના શરીર પર રીતસરના સોર પડી ગયા હતા.આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે,મંથન જે જગ્યા પર બેઠો હતો તે જગ્યા પર અગાઉ મારામારીનો બનાવ બન્યો હતો.જેથી પોલીસે શંકા હતી કે મંથને જ ત્યાં મારામારી કરી હતી.આ અંગેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે.જેમાં મંથનને 10 જેટલા પોલીસ કર્મીઓ આતંકી હોય તે રીતે મારી રહ્યાં હતા.ઉપરાંત વીડિયોમાં એવું પણ સંભળાઈ રહ્યું છે કે,ઉસકો નહીં મારના ચાહીયે યે નહીં,થા વો લોગ અલગ હી થૈ.મંથન સાથે થયેલી ઘટના બાદ મંથન એટલી હદે ગભરાઈ ગયો છે કે,તે તેના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યો છે,સાથે જ વિસ્તારમાં પણ લોકોમાં પોલીસનો ગભરાટ ફેલાઈ ગયો છે.


