ગુજરાત, દિલ્હી, મુંબઇ સહિત અનેક સ્થળોએ હુમલાની અલકાયદાની ધમકી

121

નવી દિલ્હી : ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગમ્બર અંગે નુપૂર શર્મા અને નવીન જિન્દાલની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે મુસ્લિમ દેશોએ વિરોધ નોંધાવ્યો છે અને આ મામલો રોજેરોજ વેગ પકડી રહ્યો છે. દેશમાં પણ વિપક્ષો આ બન્ને નેતાઓ સામે કાનૂની પગલાની માગણી કરી રહ્યા છે.હવે આ ઘટનાક્રમ વચ્ચે આતંકી સંગઠન અલકાયદાએ આ ટિપ્પણીની ગંભીર નોંધ લઇને દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના શહેરોમાં આત્મઘાતી હુમલાની ચેતવણી જારી કરી છે.

એક અહેવાલ મુજબ આ ધમકીપત્ર છટ્ઠી જૂને જારી કરાયો હતો.જેમાં અલકાયદાએ લખ્યું છે કે તે પયગમ્બરના સન્માન માટે લડવા ગુજરાત,દિલ્હી,મુંબઇ અને યુપીમાં આત્મઘાતી હુમલા કરશે.સંગઠન તરફથી જારી ધમકીભર્યા પત્રમાં કહેવાયું છે કે‘જે લોકો અમારા પયગમ્બરનું અપમાન કરે છે અમે તેમને મારી નાખીશું.અમે સ્વયં અને પોતાના બાળકોના શરીરની સાથે વિસ્ફોટકો બાંધીશું અને અમારા પયગમ્બરના અપમાનનો પ્રયાસ કરનારને ઉડાવી દઈશું.તેમને માફી કે દયા નહીં મળે,કોઇ સલામતી કે સુરક્ષા તેમને બચાવી નહીં શકે.’

આતંકીઓ પર નજર રાખનાર વેબસાઇટ SITE ઇન્ટેલિજન્સ ગ્રૂપે પણ તેની માહિતી આપી છે.વેબસાઇટે જણાવ્યું છે કે અલ કાયદાએ પયગમ્બરના અપમાનનો બદલો લેવા માટે ભારતમાં તબાહી મચાવવાની ધમકી આપી છે.આતંકીઓ પર નજર રાખતી સંસ્થા ફ્લેશપોઇન્ટના સંસ્થાપક ઇવેન કોલમેને પોતાના ટ્વિટમાં કહ્યું છે કે અલકાયદાએ કહ્યું છે કે ભગવા આતંકવાદી હવે દિલ્હી,મુંબઇ,ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પોતાના અંતની રાહ જુએ તેઓ પોતાના ઘરોમાં કે સેનાની છાવણીઓમાં છુપાઈ નહીં શકે.

Share Now