સુરત : નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને વિદ્યાર્થીઓએ ફરજિયાત ચૂંટણી ઓળખકાર્ડ અપલોડ કરવાનો ફતવો જારી થયો છે.અપલોડ નહીં કરનારા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં પરીક્ષાના આવેદનપત્ર ભરી શકશે નહીં.એવી ચીમકી આપતા વિદ્યાર્થીઓમાં ઓક્રોશ જોવા મળી રહ્યો છે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓને આદેશ કરાયો હતો કે સ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ષ અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક કક્ષાએ તમામ વિદ્યાર્થીઓએ ચૂંટણી ઓળખકાર્ડ યુનિવર્સિટીના પોર્ટલમાં જઇને ફરજિયાત નાંખવાનો આદેશ થયો છે.જે વિદ્યાર્થીઓ અપલોડ નહીં કરશે તે વિદ્યાર્થીના શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ની સપ્ટેમ્બર-૨૦૨૨ થી યુનિવર્સિટીની પરીક્ષાનું આવેદનપત્ર ભરી શકાશે નહીં.આ આદેશના પગલે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ આક્ષેપ કર્યા છે કે આ ચૂંટણી ઓળખકાર્ડને યુનિવર્સિટી સાથે જોડીને રાજકીય પક્ષ માટે ઉપયોગ કરવા માંગે છે.તેને બંધ કરી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શકે તે માટે ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે વોટર કાર્ડ અપલોડ કરવાના નિર્ણયને તાત્કાલિક વિદ્યાર્થીઓ હિતમાં રદ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

