અમદાવાદ : મંગળવાર,7 જુન,2022 : ટી.પી.રસ્તાઓ ઉપરના દબાણો દુર કરી રોડ ખોલવાની ઝુંબેશ હેઠળ શહેરના સરખેજ અને મકતમપુરામાં ૧૧ કરોડથી વધુની કીંમતના પ્લોટનું પઝેશન લેવાયુ છે.રોડ ઉપર બાંધવામાં આવેલા કાચા ઝૂંપડા ઉપરાંત રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.ઈલેકશન વોર્ડ સરખેજમાં ટી.પી.સ્કીમ નંબર-૮૭ સરખેજ-ઓકાફ અને ફતેવાડીમાં સરખેજ-સાણંદ હાઈવે ઉપર પસાર થતા ૧૮ મીટરના ટી.પી.રસ્તા ઉપર રોડ ખોલવા પાંચ ઝૂંપડા ઉપરાંત ચાર કોમર્શિયલ મળી કુલ નવ બાંધકામ અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડી ૨૯૦૧ ચોરસફુટના પ્લોટનું પઝેશન મેળવી રોડ ખુલ્લો કરાયો છે.
ટી.પી.સ્કીમ નંબર-૮૫,રીઝર્વ પ્લોટ નંબર-૯૭ કે જે સેલ ફોર રેસીડેન્સના હેતુ માટેનો છે એના ઉપર બાંધવામાં આવેલા ત્રણ રહેણાંક અને બે કોમર્શિયલ એમ કુલ મળી પાંચ યુનિટનું બાંધકામ દુર કરી ૨૩૫૦ ચો.મી.પ્લોટ કે જેની વર્તમાન બજાર કીંમત ૮.૫૦ કરોડ થાય છે એનું પઝેશન લેવામાં આવ્યુ છે.ઉપરાંત મકતમપુરામાં ટી.પી.સ્કીમ નંબર-૮૫ના રીઝર્વ પ્લોટ-૧૧૯ જેનો હેતુ સેલ ફોર રેસીડેન્સના ૮૫૪ ચો.મી.પ્લોટનું પઝેશન મેળવવામાં આવ્યુ છે.જેની વર્તમાન બજાર કીંમત ત્રણ કરોડ થવા જાય છે.


