અમદાવાદ : કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી ગયું હતું અને આગળ વધી રહ્યું હતું ત્યારે ચોમાસુ બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે.આ જ કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે.હાલ વરસાદ લાવે તેવી કોઇ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં પ્રિમોન્સૂન માટે પણ રાહ જોવી પડી શકે છે.સામાન્ય રીતે કેરળમાં વરસાદના આગમન બાદ 15થી 18 દિવસમાં ચોમાસાનું આગમન થતું હોય છે.આ વર્ષે કેરળમાં 29મી મેના રોજ વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે.
ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદ પડવાની શરૂઆત થાય તેવો અંદાજ હવામાન વિભાગ લગાવી રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટી ધીમી થઇ છે.તેથી વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી.ખેડૂતોએ ચોમાસાના આગમનની રાહ જોવી પડી શકે છે.કેરળમાં સમય કરતા ચોમાસાની વહેલી એન્ટ્રી બાદ સિસ્ટમ મંદ પડી છે.આ જ કારણે ચોમાસું મુંબઈ સુધી પણ પહોંચ્યું નથી.બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.બફારો વધી રહ્યો છે.રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.ગરમ પવન ફૂંકાવાની સાથે ભેજ પણ આવે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે,રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.જોકે,આઠમી જૂનથી 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. સુરત,નવસારી,વલસાડ તેમજ ભાવનગર અને અમરેલીમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ પણ થવાની શકયતા છે.જોકે,હજુ વરસાદ લાવે તેવી કોઇ સારી સિસ્ટમ સક્રિય થઇ નથી જેથી ચોમાસા માટે રાહ જોવી પડશે.હવામાન વિભાગનું કહેવું છે કે,રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.દક્ષિણ ગુજરાતમાં આઠ જૂનના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે.જેના કારણે સામાન્ય વરસાદની શકયતા રાજ્યના દક્ષિણ ભાગોમાં છે.


