અમદાવાદ: ગુરૃવાર : ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-અમદાવાદની ૩૨ સભ્યોની ૧૯મી જૂને થનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે ભાજપના મોવડી દ્વારા આપવામાં આવેલા મેન્ડેટની અવગણના કરીને ત્રણ બેઠકો પર ભાજપના બીજા ઉમેદવારોએ ચૂંટણી લડી લેવાનો ફેંસલો કર્યો છે.સૌથી આઘાતજનક બાબત તો એ છે કે નવસારીમાં મેન્ડેટ હેઠળ લડી રહેલા દિલીપ રાયકા સામે ભાજપના જ નવનીત પટેલે ઉમેદવારી નોંધાવી છે.આ જ સ્થિતિ પાટણ,સુરેન્દ્રનગર અને જામનગરની બેઠક પર સર્જાઈ છે.
ગઈકાલે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાના છેલ્લા દિવસે ૩૨ બેઠકમાંથી ૨૫ બેઠકોના પરિણામો નિશ્ચિત થઈ ગયા છે.માત્ર સાત બેઠકો પર જ ચૂંટણી યોજાશે.તેમાં ભાજપના ત્રણ બળવાખોરો લડતા ત્રણ બેઠક પર અને કોન્ગ્રેસના હરીફો હોવાથી ત્રણ બેઠકો પર ચૂંટણી લડાશે.સુરેન્દ્રનગરમાં સત્તાવાર ઉમેદવાર ઇશ્વર નથુભાઈ પટેલ સામે મેદાનમાં ઉતરેલા જેસંગ ચાવડાને મનાવી લેવામાં આવતા એક બેઠક પરથી બળવાખોર ઉમેદવાર નીકળી ગયા છે.
નવસારીમાંથી જ પહેલું બળવાનું રણશિંગું ફૂંકાયું છે.નવસારીની બેઠક પરથી દિલીપ રાયકાને ચૂંટણી લડવાનો આદેશ આપ્યો હોવા છતાંય ગણપત વસાવાની નિકટના હોવાનું મનાતા નવનીત પટેલે પોતાનું ઉમેદવારીપત્રક પાછું ખેંચવાનો ધરાર ઇનકાર કરી દીધો છે.આમ ભાજપમાં યાદવાસ્થળીનો આરંભ થઈ રહ્યો હોવાનો સંકેત મળી રહ્યો છે.બીજો કેસ પાટણનો છે.પાટણની બેઠક પરથી સ્નેહલ પટેલને ચૂંટણી લડવાનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો,પરંતુ તેની સામે પણ ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલનું સમર્થન ધરાવતા રાજુ કટારિયાએ ઉમેદવારી ચાલુ રાખી છે.રાજુ કટારિયાના ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે.છતાંય રાજુ કટારિયાએ ઉમેદવારી પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો છે.
ત્રીજો કેસ સુરેન્દ્રનગરનો છે.તેમાં મેન્ડેટ ઇશ્વર નથુભાઈ પટેલના નામનો આપવામાં આવ્યો હતો.આ મેન્ડેટની ધરાર અવગણના કરીને જેસંગ ચાવડાએ પોતાની ઉમેદવારી ચાલુ રાખી છે.જેસંગ ચાવડા ગુજકોમાસોલના પૂર્વ ડિરેક્ટર છે.બીજું,સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ વધારવા માટે સહકારિતા સેલની રચના કરવામાં આવી તેમાં પણ જેસંગ ચાવડા સબ્યે છે.જામનગરની બેઠક પર પણ ભાજપના મેન્ડટ ધરાવતા ઉમેદવાર રસિક ભંડેરી સામે બળવાખોર ઉમેદવાર તરીકે મૌલિક દિલીપ નથવાણી મેદાનમાં ઉતર્યા છે.મૌલિકના પિતા દિલીપ નથવાણી ગુજકોમાસોલમાં ડિરેક્ટર તરીકે ભૂતકાળમાં સેવા આપી ચૂક્યા છે.મહેસાણાની બેઠક પર પહેલા અંકિત પટેલનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું,પરંતુ પૂર્વ નાણાં મંત્રી નીતિન પટેલનાઆગ્રહને કારણે છેલ્લી ઘડીએ અંકિત પટેલનું નામ કાઢીને વિનોદ પટેલનું નામ મૂકવામાં આવ્યું છે.


