બારડોલી : બારડોલીના સ્ટેશન રોડ પર આવેલા અંબિકાનિકેતન મંદિર ખાતે ગોવિંદાશ્રમ ટ્રસ્ટ બારડોલી દ્વારા આજુબાજુના વિસ્તારની 42 પ્રાથમિક શાળાઓ,હાઈસ્કૂલો અને ઉત્તરબુનિયાદી શાળાના ગરીબ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.18 હજાર મોટી નોટ અને 8 હજાર નાની નોટ મળી કુલ 26 હજાર નોટબુકનું વિવિધ શાળાઓમાંથી આવેલા પ્રતિનિધિઓને આપવામાં આવી હતી.
શનિવારે અંબિકાનિકેતન મંદિર ખાતે યોજાયેલા નોટબુક વિતરણ કાર્યક્રમમાં ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દુષ્યંત પટેલ,પ્રમુખ-ટ્રસ્ટી દિનેશ સી.દેસાઇ,મંત્રી-ટ્રસ્ટી ભાવેશ પટેલ,ટ્રસ્ટી પંકજ જોશી,ટ્રસ્ટી ધનસુખ પટેલ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક ઉદબોધન કરતાં પ્રમુખ દિનેશ દેસાઇએ જણાવ્યુ હતું કે,ગરીબ વિદ્યાર્થીઓના મા-બાપનું આર્થિક ભારણ હળવું થાય તેમજ જરૂરિયાતમંદ માટે કલ્યાણકારક અને આશીર્વાદરૂપ કામ થાય એ અમારા ટ્રસ્ટનો હેતુ છે.દરેક શાળામાંથી આવેલા પ્રતિનિધિઓને સૂચના આપવામાં આવી છે કે જે તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ થાય તેમની મળ્યાની સહી સાથેનું પત્રક પહોંચાડવા આવે.


