બારડોલી : બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ બારડોલી દ્વારા બારડોલી તાલુકામાં રહેતા સમાજના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણની શરૂઆત સમાજના પ્રમુખ અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કરાવી હતી.11 અને 12 જૂન એમ બે દિવસ નોટબુક વિતરણ કરવામાં આવનાર છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સમાજ તરફથી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે સમાજના વિદ્યાર્થીઓને ભણી ગણીને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.તેમણે કહ્યું કે,સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમનો સન્માન કાર્યક્રમ પણ યોજાવામાં આવે છે.ધોરણ 5 કે તેથી આગળ અભ્યાસ કરતાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ વનમાળીભાઈ પરમાર,પરભુભાઈ પરમાર,મહામંત્રી કિશોરભાઈ પરમાર અને સહમંત્રી રજનીકાંત પરમાર,કિશોરભાઈ માહયાવંશી,કિરણ લાકડાવાળા સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમાજના લાભાર્થે આગામી 18મીના રોજ બારડોલી સરદાર ટાઉન હૉલમાં રાત્રે 8 વાગ્યે ફાધર્સ ડે નામના ગુજરાત નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


