નવી િદલ્હી : રશિયાના આક્રમણ સામે છેલ્લાં 108 દિવસથી ઝીંક ઝીલી રહેલા યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રવિવારે જણાવ્યું હતું કે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે કોઇ જાણતું નથી,પરંતુ યુક્રેનના લશ્કરી દળો પૂર્વ યુક્રેનમાં રશિયાની આર્મીને જોરદાર લડત આપીને તમામ ધારણાઓને ખોટી પાડી રહ્યાં છે.
વીડિયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ડોનબાસ પ્રાંતમાં રશિયાના દળોની આગેકૂચને અટકાવી રહેલા યુક્રેનના લશ્કરી દળોનો તેમને ગર્વ છે.આ વિસ્તાર રશિયાની સરહદ નજીક આવેલો છે અને ત્યાંના બળવાખોરો પણ રશિયાને સાથ આપી રહ્યાં છે.તેમણે જણાવ્યું હતું કે યાદ કરો કે રશિયા મેના પ્રારંભમાં આશા રાખતું હતું કે તે સમગ્ર ડોનબાસ પ્રાંત પર કબજો લઈ લેશે.હવે યુદ્ધને 108 દિવસ થઈ ગયા છે અને જૂન આવ્યો છે,પરંતુ હજુ ડોનબાસ સુરક્ષિત છે.યુદ્ધના પ્રારંભમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ રશિયાએ તેની ભાષા બોલતા ડોનબાસ અને યુક્રેનના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારો પર લડાઈ કેન્દ્રીત કરી હતી.પરંતુ આ વિસ્તારો હજુ પણ યુક્રેનના અંકુશ હેઠળ છે.

