નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર : મની લોન્ડ્રિંગ સાથે સંકળાયેલા એક કેસ મામલે ઈડીના કાર્યાલય પહોંચેલા રાહુલ ગાંધીની આશરે 3 કલાક સુધી પુછપરછ ચાલી હતી અને ત્યાર બાદ તેઓ લંચ બ્રેક માટે બહાર નીકળ્યા હતા.પુછપરછના આકરા દોરમાંથી પસાર થયા બાદ બહાર નીકળીને રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે સીધા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા અને માતા સોનિયા ગાંધીની તબિયતના સમાચાર જાણ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના પગલે સોનિયા ગાંધીને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઈડી દ્વારા રાહુલ ગાંધીને પાઠવવામાં આવેલા સમન્સના વિરોધમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન ચાલુ છે.ગુજરાતના અમદાવાદ ખાતે પણ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી નેતાઓને પોલીસે પોતાની કસ્ટડીમાં પૂર્યા હતા.
તાનાશાહ સાથે PM મોદીની સરખામણી
કોંગ્રેસે એક વીડિયોના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના તાનાશાહ સાથે કરી છે.કોંગ્રેસના કહેવા પ્રમાણે જે રીતે નોટબંધીથી શરૂ કરીને કોરોના અને ખેડૂતોના હક એમ દરેક બાબતે રાહુલ ગાંધી સતત મોદી સરકાર સામે ઉભા રહે છે અને સત્ય બોલે છે તે વડાપ્રધાન મોદીને નથી ગમતું.
આ કારણે જ તેમણે રાહુલ ગાંધીનો અવાજ દબાવવા માટે ઈડી જેવી ટોચની સંસ્થાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.પીએમ મોદી એક તાનાશાહની માફક માત્ર પોતાની પ્રશંસા સાંભળવાનું પસંદ કરે છે.તેમના કામ સામે કોઈ આંગળી ચીંધે તે તેમને પસંદ નથી.તેમને કોઈ સવાલ કરે એ વાત પણ તેમને મંજૂર નથી.
વીડિયોના કેપ્શનમાં કોંગ્રેસે લખ્યું હતું કે,
આ ગાંધીના વંશજ છે.તમે એને રોકી નહીં શકો.સત્યની આ લડાઈમાં તમે રાહુલ સામે નહીં જીતી શકો.

