બારડોલી : સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારના અંત્રોલી ગામમાં રવિવારે મધ્યરાત્રિ બાદ બુકાનીધારી લૂંટારુ ત્રાટકતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.ગ્રામજનો જાગી જતાં લૂંટારુઓ પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા.નસીબજોગ લૂંટારુઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં કોઈને ઇજા પહોંચી ન હતી.
સુરત કડોદરા મુખ્ય રોડ પર આવેલા અંત્રોલી ગામમાં રવિવારે મધ્યરાત્રિ બાદ અંદાજિત 1 થી 2 વાગ્યાના સમયે 6 જેટલા લૂંટારુઓ હાથમાં દંડા અને અન્ય સાધનો લઈને ઘૂસી આવ્યા હતા.લૂંટારુઓ લૂંટ કરવા માટે લાગ શોધી રહ્યા હતા ત્યારે જ ગામમાં આવેલી એક બેન્કના વોચમેનને જોતાં તેણે સિસોટી મારતા તેઓ અંત્રોલી ઓવિયાણ રોડ પર વડ તરફ ભાગી છૂટ્યા હતા.ત્યાં પણ એક યુવકની નજર લૂંટારૂઓ પર પડતાં તેણે બૂમાબૂમ કરી હતી.આથી ગામના લોકો જાગી જતાં લૂંટારુઓએ એક ઘર પર પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા.જેને કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘટનાની જાણ થતાં જ નાઈટરાઉન્ડમાં નીકળેલા પોલીસકર્મી અને હોમગાર્ડ પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને લૂંટારુ જે દિશામાં ગયા તે દિશામાં તપાસ કરી હતી.જો કે તેઓની કોઈ કડી મળી શકી ન હતી.લૂંટારુઓ ગામના સીસીટીવીમાં કેદ થઈ જતાં હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


