બારડોલી : સુરત જિલ્લાના વાવ ગામની સીમમાં નહેર નજીક આવબેલ એક શેરડીના ખેતરમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરેલ લોખંડના સળિયાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.વલણ ગામેથી ચોરી કરેલ લોખંડના સળિયાનો જથ્થો શેરડીના ખેતરમાં સંતાડી ત્યાંથી ટેમ્પામાં ભરી સગેવગે કરવામાં આવી રહયો હતો.પરંતુ ગ્રામ્ય એલસીબીની ટીમે રેડ કરી બે આરોપીને ઝડપી પાડી કુલ રૂ. 4,93,625 નો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન હે.કો વિક્રમભાઈ સંગ્રામભાઈ તથા હે.કો કાર્તિકગીરી નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે કૈલાશ મારવાડી નામના વ્યક્તિએ તેના સાગરીતો સાથે કોઈ જગ્યાએથી લોખંડના સળિયાના જથ્થાની ચોરી કરી લાવી વાવ ગામની સીમમાં BNB સ્કૂલ નજીક પાસોદરા માઇનોર નહેરની બાજુમાં આવેલ એક શેરડીના ખેતરમાં છુપાવેલ છે.અને આ જથ્થો તેઓ સગેવગે કરવાની પેરવીમાં છે.
જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી તે દરમ્યાન ત્યાં ચાર વ્યક્તિઓ એક ટેમ્પો નંબર જીજે-05-એટી-9789માં લોખંડના સળિયા ભરી રહયા હતા.પોલીસે ઘટના સ્થળેથી બે વ્યક્તિ દેવીલાલ બંસીલાલ માળી રહે,વાવગામ,કૈલાશ મારવાડીના ભંગારના ગોડાઉનમાં,મૂળ રહે,માલીખેડા,જી-ભીલવાડા,રાજસ્થાન)તેમજ વિક્રમ સોમાભાઇ બારીયા(રહે,વલણગામ,ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં ઝૂપડામાં,તા-કામરેજ)ને ઝડપી પાડ્યા હતા.જ્યારે બે વ્યક્તિઓ પોલીસની રેડ જોઈ ભાગી છૂટ્યા હતા.પકડાયેલ બંને વ્યક્તિની પૂછપરછ કરતાં જણાવ્યુ હતું કે આ લોખંડના સળિયાનો જથ્થો વલણ ખાતેથી ચોરી કર્યો હતો.અને આજરોજ ચોરી કરાવનાર વાવ ગામે ભંગારનો વેપાર કરતાં કૈલાશ મારવાડીના કહેવા મુજબ તેનો ટેમ્પો લઈ ભરવા માટે આવ્યા હતા.પોલીસે 2125 કિલો લોખંડ,એક ટેમ્પો,એક કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ,4,93,625 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


