બેઈજિંગ : તા.16 જૂન 2022,ગુરૂવાર : રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આક્રમણને 4 મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે તેમાં હવે ચીનની એન્ટ્રી થઈ છે.અત્યાર સુધી રશિયાના સમર્થનની ઔપચારિકતા નિભાવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેન યુદ્ધ ખતમ કરાવવા રચનાત્મક ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ટેલિફોનિક વાતચીત બાદ જિનપિંગે આ પ્રકારનો પ્રસ્તાવ મુક્યો છે.ચીની રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે તમામ પક્ષોએ સમાધાનની દિશામાં જવાબદાર બનીને કામ કરવું જોઈએ.અમે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં છીએ અને તેમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છીએ.
ચીનને રશિયા સાથે ખૂબ જ ઘનિષ્ઠતા છે.ચીન અત્યાર સુધી યુક્રેન યુદ્ધ મામલે રશિયાની કાર્યવાહીની ટીકા કરવાની મનાઈ કરતું આવ્યું હતું.એવું કહેવાય છે કે,શી જિનપિંગનું આ વલણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુદ્ધના શરૂઆતના દિવસોમાં જે અપીલો કરી હતી તેના ઘણાં દિવસો બાદ સામે આવ્યું છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફેબ્રુઆરી મહિનાના અંત દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો અને યુદ્ધની શરૂઆત થઈ હતી.ત્યારથી અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેનના આશરે એક ચતુર્થાંશ વિસ્તારો પર કબજો મેળવી લીધો છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરાવવા માટે ચીન કયા સ્તરે અને કઈ રીતે મધ્યસ્થતા નિભાવશે તે હજું સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું.આ મામલે યુક્રેન સાથે કોઈ સ્તરે વાતચીત થઈ છે કે નહીં તે પણ હજું સ્પષ્ટ નથી.આ ઉપરાંત ચીનને જે પ્રકારે રશિયા સાથે મિત્રતા રહી છે તેને ધ્યાનમાં લેવા પર મધ્યસ્થતાનો આ પ્રયત્ન શંકાસ્પદ જણાય છે.જો આવો કોઈ પ્રયત્ન કરવામાં આવે તો પણ તેમાં રશિયાના હિતોનું વધારે ધ્યાન રાખવામાં આવે તેવી આશંકા છે.તે સિવાય સુપરપાવર અમેરિકાને આ મામલે ચીનની મધ્યસ્થતા દ્વારા યુદ્ધવિરામ થાય તે પસંદ ન પણ આવે.ત્યારે ચીનનો આ પ્રસ્તાવ કેટલો અસલી અને પ્રભાવી સિદ્ધ થાય છે તે જોવું રહ્યું.


