મુંબઈ : બેંગ્લુરુમાં પાર્ટીમાં ડ્રગનું સેવન કરતાં ઝડપાયેલા સિદ્ધાંત કપૂરે દાવો કર્યો છે કે પોતે પોતાની મરજીથી ડ્રગ લીધું ન હતું પરંતુ કોઈએ તેને ડ્રગ ભેળવેલુ ડ્રિંક્સ પીવડાવી દીધું હતું.જામીન મળ્યા બાદ બેગ્લુરુથી રવાના થઈ ગયેલા સિદ્ધાંતે પોલીસને તપાસમાં સહકારની ખાતરી આપી છે.સિદ્ધાંતે એક નિવેદનમાં જણવ્યું હતું કે પાર્ટીમાં તે ડિસ્ક જોકી તરીકે ભાગ લેવા ગયો હતો ત્યાં કોઈએ તેને ઓફર કરેલાં ડ્રિંકમાં ડ્રગ ભેળવેલું હતું.પોતે જાણીબૂઝીને સમજીને ડ્રગ લીધું નથી.
બેંગ્લુરુ પોલીસે સિદ્ધાંતના મેડિકલ રીપોર્ટસને ટાંકીને જણાવ્યું છે કે તેના બ્લડ સેમ્પલમાં કોકેન અને ગાંજાના અંશો મળી આવ્યા હતા.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(ઈસ્ટ) ડો.ભીમશંકર એસ ગુલેએ જણાવ્યું હતું કે સિદ્ધાંતના બ્લડ સેમ્પલમાં ડ્રગ સેવન કન્ફર્મ થયું છે.પરંતુ,તેણે પોતાને કોણે ડ્રગ આપ્યું તે વિશે કશું જણાવ્યું નથી.પોલીસે તેનો મોબાઈલ પણ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.જામીન મળ્યા બાદ સિદ્ધાંતને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવાયો હતો.બાદમાં તેને બેંગ્લુરુ છોડવાની પરવાનગી અપાઈ હતી.જોકે,તેણે ગમે ત્યારે જરુર પડશે બેંગ્લુરુમાં તપાસમાં હાજર થવું પડશે તેવી શરત મુકવામાં આવી હતી.પોલીસને સંપૂર્ણ સહકારની ખાતરી આપતાં સિદ્ધાંતે જણાવ્યું હતું કે બેંગ્લુરુ પોલીસ લોકોની જિંદગીને બચાવવાનું બહુ સારું કામ કરી રહી છે અને આવુંકામ તેણે ચાલુ રાખવું જોઈએ.સિદ્ધાર્થે પોતે બેંગ્લુરુથી પોતે ફ્લાઈટમાં રવાના થયો હોવાનું જણાવતી એક સેલ્ફી પણ શેર કરી હતી.આ સેલ્ફીમાં તેની સાથે કોઈ યુવતી પણ દેખાય છે.


