બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ગુનેગારોને જાણે પોલીસનો ડર રહ્યો જ નથી મર્ડર અને લૂંટ બાદ હવે કડોદરા ચાર રસ્તા પર જ આવેલા એક કોમ્પ્લેક્ષની 4 દુકાનની શટર ઊંચકી તસ્કરો 7 લેપટોપ અને રોકડ મળી 2.50 લાખથી વધુની મતા તફડાવી જતા કડોદરા પોલીસ દોડતી થઈ છે.
ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર કડોદરા નગરના નગર સેવક નરેશભાઈ ખડુંભાઈ દેસાઈ(બબલામામા)ની માલિકીનો કડોદરા ચાર રસ્તા પર કે.સ્કવેર નામનું શોપિંગ સેન્ટર આવેલ છે.
જેમાં ભોંયતળિયે આવેલ દુકાનો પૈકી શતાપદી ટ્રાવેલ્સ,સાંઈ કૃપા ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો તેમજ શ્રી રંગ પાન એન્ડ કોલડ્રાઇન્ક્સ નામની આ ચારેય દુકાનમાં ગુરુવારે મળસ્કે અજાણ્યા તસ્કરો શટર ઊંચકી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો.જેમાં શ્રી રંગ પાન એન્ડ કોલડ્રાઇન્ક્સ નામની દુકાનના ટેબલના ખાનામાં બાજુમાં આવેલ કાકા સ્ટુડિયોના 7 જેટલા લેપટોપ અને તમામ દુકાન મળી અંદાજીત 10 હજાર જેટલી રોકડ રકમ મળી અંદાજીત 2.50 લાખથી વધુની મતા ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું.ઘટના બાદ કોમ્પ્લેક્ષમાં લગાવેલા CCTV કેમરાની ફૂટજ ચેક કરતા 16 જુનના રોજ મળસ્કે 1:30 વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઈસમો ત્યાં દુકાનની આસપાસ આંટાફેરા કરતા નજરે ચડ્યા હતા ઘટના અંગે દુકાનદારોએ કડોદરા પોલીસ મથકના અરજી આપી હોવાનું જાણવા મળ્યુ હતુ.