સુરત : તા.17 જુન 2022,શુક્રવાર : સુરતના લોકોએ સામૂહિક પરિવહનની સેવાઓને વધુ પ્રતિસાદ આપતા પાલિકાએ આ સેવાને વધુ સુદઢ બનાવવા માટે આયોજન કર્યું છે.પાલિકા આગામી દિવસોમાં સામુહિક પરિવહનની સેવાના બિલ્ડિંગમાંથી પણ આવક ઉભી કરે તેવા પ્રયાસ શરૂ કર્યા છે.સુરત મ્યુનિ.ના અઠવા ઝોનમાં સીટી અને બીઆરટીએસ બસ માટે ટર્મીનલ બિલ્ડીંગ બનાવવા માટે આયોજન કર્યું છે. જેમાં સામુહિક પરિવહન સેવા સાથે ઓફિસ,દુકાન મલ્ટી પરપઝ હોલ અને વોટર રિસાઈકલીંગ ની સુવિધા પણ ઉભી કરવા માટે પણ આયોજન કર્યું છે.
સુરતમા સીટી અને બીઆરટીએસ બસ સુવિધાનો ઉપયોગમાં ઉત્તરોતર વધારો થતાં પાલિકા આ પરિવહન વધુ અસરકારક બનાવવા માટે વર્કશોપ,ડેપો અને ટર્મિનલ બિલ્ડીંગ બનાવવાનું શરૃ કર્યું છે.હાલમાં સુરત શહેરમાં સીટી અને બીઆરટીએસ બસના આઠ ટર્મિનલ શરૂ કર્યા છે.જોકે,આગામી દિવસોમાં સીટી અને બીઆરટીએસ બસ ઉપરાંત ઈલેક્ટ્રીક બસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતો હોય અન્ય વિસ્તારમાં પણ બસ ટર્મિનલ બનાવવા માટે આયોજન હાથ ધર્યું છે.જે અંતર્ગત અઠવા ઝોનમાં ટી.પી.સ્કીમ નં.૨૯(વેસુ-મગદલ્લા)એફ.પી.નં.૧૨૯(પબ્લિક યુટિલિટી)ના પ્લોટમાં બસડેપો ટર્મિનલ વર્કશોપ બનાવવાનું આયોજન કરાયું છે.આ પ્રોજેક્ટ માટે ૧૩.૪૫ કરોડના ખર્ચનો અંદાજ મંજૂર કરવા જાહેર પરિવહન સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
પાલિકા દ્વારા કરવામા આવેલા આયોજન પ્રમાણે ટર્મિનલ સહિતના બસડેપોમાં ૩૭ ઇલેક્ટ્રિક બસોના ચાર્જિંગ માટેના ચાર્જિંગ સ્ટેન્ડ તથા ૪૭ સિટીબસોનું પાર્કિંગ થઈ શકે છે તથા ત્રણ બસ સ્ટોપ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.ટર્મિનલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળનું બાંધકામ કરાશે.એ જ રીતે વર્કશોપ માટે પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળનું બાંધકામ કરવામાં આવશે.સર્વિસ સ્ટેશન,રેસ્ટરૂમ, મલ્ટિપર્પઝ હોલ,વોટર રિસાઇકલિંગ સહિતની સુવિધા ઉભી કરાશે.એટલું જ નહીં,ટર્મિનલ બિલ્ડિંગમાં દુકાનો અને ઓફિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનના કારણે બસ સેવા સુદઢ બનાવવા સાથે પાલિકાને આવકના નવા સ્ત્રોત પણ ઉભો થશે.

