સુરત : સુરત મ્યુનિ. વિસ્તારમાં પે એન્ડ યુઝ ના કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ પાંચ વર્ષ સુધી સંચાલન કર્યા બાદ એક જ વર્ષના પૈસા ભરીને પોતાને છૂટા કરવા માટેની રજૂઆત કરી હતી.૧૨.૪૪ લાખ સામે માત્ર એક લાખ ભરીને છૂટા કરવાની રજુઆત સ્થાયી સમિતિએ ફગાવી પૈસા પુરા નિયત સમયમાં ભરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે.
સુરત મ્યુનિ.ના અઠવા ઝોનમાં સોશિયો સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ યુઝ ટોયલેટ પ્લોટ બનાવવામાં આવ્યા છે.2016માં આ ટોયલેટ બ્લોક નું સંચાલન શ્રી અનમોલ વેલ્ફેર એસો.ને સોંપવામાં આવ્યું હતું અને પ્રતિ વર્ષ 3.11 લાખની રકમ પાલિકાને આપવાનો કરાર કરવામાં આવ્યો હતો.જોકે,ત્યાર બાદ ઇજારદારે માત્ર એક જ વર્ષ પાલિકામાં પૈસા જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ છેક 2021 માં તેઓ કામગીરી કરવા માંગતા નથી અને કામગીરીમાંથી કોઈ પણ દંડ વિના છુટા કરવા માટેની માગણી કરી હતી.ઇજારદારે પાલિકાએ એક લાખ રૃપિયાની રકમ ભરવાની વાત કરી હતી તે દરખાસ્ત સ્થાયી સમિતિ સક્ષમ રજુ કરવામા આવી હતી.સ્થાયી સમિતિએ ઈજારદાર ની માગણી ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે,પાલિકા સાથે જે મુજબ કરાર થયો છે તે પ્રમાણે 12.44 લાખ રૃપિયાની રકમ ઇજારદારે ભરવાની થાય છે તે રકમ 60 દિવસના ગાળામાં ઇજારદારે ભરવાની રહેશે જો તેમ કરવામાં ચૂક કરવામાં આવે તો શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

