અમદાવાદ : સરકારે થોડા સમય પહેલાં જ નવો પરિપત્ર કર્યો છે.જેના કારણે અમદાવાદ શહેર અને જિલ્લાના હજારો દસ્તાવેજ દર મહિને ડીસી(ડેપ્યુટી કલેક્ટર)પાસે જઇ રહ્યાં છે.હવે નવા પરિપત્ર મુજબ દસ્તાવેજ ડીસીમાં ગયા બાદ સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી ઓનલાઇન કરી હોવાથી સંખ્યાબંધ ગુંચવડા ઊભા થયા હોવાથી હજારો લોકો પરેશાન થઇ રહ્યાં છે.નોંધનીય છે કે,પહેલાં સ્ટેમ્પ મૂલ્યાંકન કચેરીના અધિકારીઓ ઓફલાઇન ગણતરી કરતા હતા,ઓનલાઇનથી અધિકારીઓ પણ અજાણ છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારે 1-9-2001 પછી એવું નક્કી કર્યું કે,કોઇ પણ વ્યક્તિને સોસાયટીનો સભ્ય બનાવવો હોય તો એલોટમેન્ટનો દસ્તાવેજ કરી આપવો પડે અને ફક્ત શેર સર્ટિફિકેટ(એલોટમેન્ટ લેટર,પઝેશન લેટર)થી માલિક ન બની શકે.ત્યારબાદ 13 જુલાઇ 2021ના રોજ સરકારે નવો પરિપત્ર કર્યો જેમાં 1-9-2001ના પરિપત્રને ફેરવી દીધો હતો અને ત્યારબાદ સીધો 27 એપ્રિલ 1982 બાદના કોઇ પણ વ્યક્તિને સોસાયટીના સભ્ય બનવું હોય તો તેને શેર સર્ટિફિકેટ નહીં પરંતુ એલોટમેન્ટનો દસ્તાવેજ કરવો ફરજિયાત છે.
જો કોઇ પણ સભ્ય શેર સર્ટિફિકેટના આધારે પોતાનું માલિકીપણુ ટ્રાન્સફર કરે તો તેને જંત્રી મુજબ જે તે સમયના શેર સર્ટિફિકેટની તારીખ મુજબ સ્ટેમ્પ ડ્યૂટીની નક્કી કરેલી રકમ ભરવી પડે(સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર નક્કી કરે તે મુજબની રકમ)જેના કારણે દર મહિને અમદાવાદ જિલ્લા અને સિટીના હજારો દસ્તાવેજ ડીસીમાં જતા હતા.પરંતુ તાજેતરમાં જ સરકારે નવો પરિપત્ર જારી કર્યો છે.જેમાં પહેલાં જે સ્ટેમ્પ મૂલ્યાંકન ડ્યૂટી કચેરીના અધિકારીઓ ઓફલાઇન ગણતરી કરતા હતા તે ઓનલાઇન કરવાનો આદેશ કર્યો છે.જેના કારણે અધિકારીઓ પણ ગુંચવાયા છે અને સ્ટેમ્પ ડ્યૂટી ગણતરી થઇ રહી નથી.જેના કારણે હજારો દસ્તાવેજ છેલ્લા ઘણા સમયથી અટવાઇ પડ્યા છે અને લોકોને હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે.


