અમદાવાદ : રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે.દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય ઝાપટાં જ પડી રહ્યા છે.અમદાવાદમાં આજે પણ વરસાદ થયો ન હતો.જ્યારે પારો 39.9 ડિગ્રી પર પહોંચી જવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેતા લોકો બફારાથી બેહાલ બન્યા હતા.હવામાન વિભાગે જણાવ્યું છે કે,વરસાદ લાવે તેવી વધુ ત્રણ સિસ્ટમ સર્જાઇ છે.જેના કારણે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની વકી છે.
હવામાન વિભાગ મુજબ,અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.ઉપરાંત રાજસ્થાન પર પણ એક સિસ્ટમ સર્જાઇ છે.આ ઉપરાંત વરસાદ લાવે તેવી બીજી એક સિસ્ટમ પણ સક્રિય થઇ છે.જેની અસરને કારણે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.આ સાથે દીવ,દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જ્યારે અમદાવાદ સહિત અન્ય જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની વકી છે.સતત વરસાદ પડવાની આગાહી વચ્ચે શહેરમાં વરસાદ થઇ રહ્યો નથી.તાપમાનનો પારો દિવસે અને રાત્રે સામાન્યથી વધુ રહે છે.
દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે જ્યારે લઘુતમ તાપમાન પણ સામાન્યથી વધી 28 ડિગ્રીની આસપાસ રહે છે.જેના કારણે દિવસે અને રાત્રે ગરમીનો સામાનો કરવો પડે છે.ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ સાવારે 72 ટકા અને સાંજે 55 ટકા જેટલું ઊંચુ રહે છે જેના કારણે લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને શહેરમાં વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
ભાવનગર શહેરમાં સતત બે દિવસથી વાદળછાયું થઈ રહ્યું છે.આજ સવારથી કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા અને અચાનક જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ હતી.મહુવાના મોટી જાગધાર ગામે વરસાદી માહોલમાં વીજળી પડતા બે લોકોના મોત નિપજયા છે.મનરેગા રાહતના કામગીરી કરતા મજૂરો પર વીજળી પડી હતી.અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા 11 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.જ્યારે આજે પણ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મનમૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું છે.જ્યારે બીજી તરફ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હજું પણ વરસાદ ન આવતા ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આજે રવિવારે પારડી તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.જેને લઈને સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.


