નવી દિલ્હી : તા.20 જૂન 2022,સોમવાર : દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે.ગત રોજ સેનાની ત્રણેય પાંખે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આ યોજના પાછી નહીં ખેંચવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હતી.સાથે જ વિવિધ પ્રશ્નોનું સ્પષ્ટીકરણ આપ્યું હતું.આ બધા વચ્ચે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિપથ’ યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે.અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ બાદ મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.ઉલ્લેખનીય છે કે,ગત 14 જૂનના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ હતી અને ત્યારથી દેશભરમાં હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે.પ્રદર્શનકારીઓના કહેવા પ્રમાણે આ યોજનામાં પેન્શન ખતમ કરી દેવાયું છે તથા તેમની સેવાને માત્ર 4 વર્ષ પૂરતી સીમિત કરી દેવામાં આવી તે યોગ્ય નથી.તેમનો સવાલ છે કે,4 વર્ષ બાદ તેઓ રિટાયર થાય પછી શું કરશે?

