મથુરા : તા.20 જૂન 2022,સોમવાર : સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ બાદ હવે ઉત્તર પ્રદેશના મથુરા ખાતે આ જ પ્રકારની ઘટના સામે આવી છે.મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત નગલા બોહરા વિસ્તારમાં એક માથાફરેલ યુવકે એક ઘરમાં ઘૂસી માતા અને છોકરી પર છરીથી હુમલો કરી દીધો હતો.આ હુમલામાં છોકરીનું મૃત્યુ થઈ ગયું છે જ્યારે માતા ઘાયલ થઈ છે.આ ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતાના પેટમાં છરીના ઘા ઝીંક્યા હતા જેના કારણે તે પણ ઘાયલ થઈ ગયો હતો.માતા અને માથાફરેલ યુવકની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
યુવક પોતાના લગ્નનો કાર્ડ આપવાના બહાને ઘરમાં ઘુસ્યો હતો અને ઘરમાં ઘુસતા જ યુવકે સૌથી પહેલા યુવતી પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ માતા પર.બંને પર હુમલો કર્યા બાદ યુવકે પોતાને છરીનો ઘા મારી ઘાયલ કરી દીધો હતો.આ હુમલામાં યુવતીનું મૃત્યું થઈ ગયું છે.રવિવારે મોડી સાંજે નગરા બોહરાના રહેવાસી રિટાયર્ડ સૈનિક તેજવીરના ઘરે તેમની પત્ની સુનિતા અને 17 વર્ષની છોકરી સોનમ એકલી જ હતી.આ દરમિયાન મુઝફ્ફરનગરના નવી મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કકુડાના નિવાસી શિવમ ઉર્ફે કશ્યપ ઘરમા ઘૂસી સોનમ અને તેની માતા પર છરીથી હુમલો કર્યો હતો.મા-દીકરીને ઘાયલ કર્યા બાદ યુવકે પોતાના પેટમાં છરીથી ઘા કરી દીધો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
આ લોકોની ચીસ સાંભળીને આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ગામલોકોની મદદથી ઘાયલ સુનીતા અને યુવક શિવમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.પંચનામા કર્યા બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

