નવી દિલ્હી : તા.19.જૂન 2022 રવિવાર : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ટી-20 સિરિઝની આખરી મેચ બેંગ્લોરમાં રમાવાની છે.આ મેચ ફાઈનલ જેવી જ છે.કારણકે બંને ટીમો 2-2 મેચ જીતી ચુકી છે.જે આ મેચ જીતશે તે સિરિઝ પોતાના નામે કરશે.જોકે આ રોમાંચક મુકાબલામાં વરસાદનુ વિઘ્ન નડી શકે છે.કારણકે હવામાન વિભાગે બેંગ્લોરમાં આજે વરસાદની આગાહી કરી છે.એમ પણ છેલ્લા કેટલાક દિવસોથી બેંગ્લોરમાં વરસાદ પડી રહ્યો છે.હવામાનની આગાહી કરતી વેબસાઈટના કહેવા પ્રમાણે મેચ શરુ થવાના સમયે એટલે કે સાંજે સાત વાગ્યે વરસાદ પડવાની શક્યતા છે.એ પહેલા સાંજે પાંચ વાગ્યે પણ વરસાદ પડી શકે છે.આ સંજોગોમાં ભીના આઉટફિલ્ડના કારણે મેચ રદ થવાની પણ શક્યતા છે.જો મેચ નહીં રમાય તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.મેચ રમાઈ તો નાના મેદાનના કારણે હાઈ સ્કોરિંગ મુકાબલો ચાહકોને જોવા મળી શકે છે.

