ભોપાલ, તા. 20 જૂન 2022 સોમવાર : મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક પંચાયત સચિવની ત્રણ પત્નીઓ ચૂંટણી લડી રહી છે.ખાસ વાત એ છે કે 2 પત્નીઓ તો એક જ પંચાયતમાંથી સરપંચ ચૂંટણીમાં સામ-સામે છે.ત્રીજી જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણી લડી રહી છે.ત્રણ પત્નીઓ હોવા છતાં એક પત્નીની જાણકારી છુપાવવાના આરોપમાં જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારીએ સચિવને સસ્પેન્ડ કરી દીધા છે.
પંચાયત સચિવ સુખરામ સિંહની પહેલી પત્ની કુસુમકલી સિંહ અને બીજા નંબરની પત્ની ગીતા સિંહ ગ્રામ પંચાયત પીપરખાડ સરપંચ પદ માટે ચૂંટણી મેદાનમાં સામ-સામે છે જ્યારે ત્રીજી પત્ની ઉર્મિલા સિંહ જિલ્લા પંચાયત દેવસરના બોર્ડ ક્રમાંક 13 જિલ્લા સદસ્ય પદ માટે ચૂંટણી મેદાનમાં છે.જિલ્લા પંચાયતના સીઈઓ વીકે સિંહે પોતાના અધીનસ્થ સમસ્ત કર્મચારીઓ પાસે એક જાણકારી માગી હતી કે જો કોઈ કર્મચારીના સંબંધી ચૂંટણી લડી રહ્યા છે તો તેની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ કારણે સચિવને કરાયા સસ્પેન્ડ
પંચાયત સચિવ સુખરામ સિંહે પોતાની બે પત્નીઓની જાણકારી સીઈઓને આપી હતી,પરંતુ એકની જાણકારી છુપાવી હતી.ઘટના સામે આવ્યા બાદ સીઈઓએ પહેલા સચિવ સુખરામ સિંહને કારણ બતાઓ નોટિસ જારી કરી અને પછી જવાબ ન આપવા મુદ્દે તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરીને જિલ્લા કાર્યાલય પરથી અટેચ કરી દીધા.
પહેલા લગ્નને થયા 30 વર્ષ
જાણકારી અનુસાર સુખરામ સિંહના પહેલા લગ્ન 30 વર્ષ પહેલા કુસુમ કલી સિંહ સાથે થયા હતા.જે બાદ લગભગ 10 વર્ષ પહેલા તેમણે ગીતા સિંહ સાથે અને પછી 2 વર્ષ પહેલા ઉર્મિલા સિંહ સાથે લગ્ન કરી લીધા.સુખરામની બીજી પત્ની ગીતા પીપરખાડમાં નિવર્તમાન સરપંચ છે.ગીતા સાથે અમુક વિવાદના કારણે સુખરામે પહેલી પત્ની કુસુમ કલી સિંગને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.


