સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્કૂલ બેગના ટેન્ડરમાં કૌભાંડ બાદ મોડે મોડે જાગેલા શિક્ષણ સમિતિના વિપક્ષે જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ પ્રવેશોત્સવ માટે સ્કુલ બેગ તથા કીટ ની ખરીદી માટે ટેન્ડર બહાર પાડયા હતા.આ ટેન્ડરમાં એ ટુ ઝેડ સોલ્યુશન દ્વારા બોગસ દસ્તાવેજ રજુ કર્યા હતા.
મુંબઈની એજન્સીએ પત્ર લખ્યા બાદ એ ટુ ઝેડ સોલ્યુશન નો ભાંડો ફૂટયો હતો ત્યાર બાદ ભારે હોબાળો થયો હતો.પૂર્વ વિપક્ષ સભ્ય સુરેશ સુહાગીયાએ 17 જુને મેયરને પત્ર લખી આ કૌભાંડમાં જવાબાદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.દરમિયાન શાસકોએ એ ટુ ઝેડ સોલ્યુશન એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા અને જવબદાર કર્મચારી સામે પગલા ભરવા સૂચના આપી હતી.
15 જુને એજન્સીનું કૌભાંડ બહાર આવ્યા બાદ 17 જુને કોંગ્રેસે ભાજપ-આપની સાઠગાઠનો આક્ષેપ કર્યો હતો.તેના ચાર દિવસ બાદ આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તે સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

