મુંબઇ : મુંબઇ મહાપાલિકા જોખમી જર્જરિત મકાનોને તાકીદે જમીનદોસ્ત કરી દેવાનો પોતાનો નિયમ જ ભૂલી ગઇ હોય એવું લાગે છે.ખાસ નોંધવા જેવી વાત છે કે માહિમ મોરી રોડ સ્કૂલ અને દક્ષિણ મુંબઇના કુંભારવાડાની દુર્ગાદેવી સ્કૂલની ખખડધજ ઇમારતો અત્યંત ગીચ વસતિવાળા વિસ્તારોમાં આવેલી છે બીએમસીએ મુંબઇની ૩૮૭ જર્જરિત ઇમારતોની યાદી બહાર પાડી છે,જે પૈકીની પાંચ સ્કૂલ બિલ્ડીંગ્સ એની પોતાની માલિકીની છે.બીએમસીના નિયમો મુજબ,સી-૧ કેટેગરી હેટળ ખખડધજ ઘોષિત કરાયેલી કોઇ પણ ઇમારત હોનારત ટાળવા તુરત ખાલી કરાવી તોડી પાડવી જરૃરી છે.
બીએમસીની પોતાની માહિમ મોરી રોડ સ્કૂલ સી-૧ કેટેગરીની ઇમારત છે.મહાપાલિકાના શિક્ષણ ખાતાના અધિકારીઓના જણાવવા મુજબ આ સ્કૂલ બંધ છે અને એના વિદ્યાર્થીઓને નજીકની બીજી સ્કૂલમાં શિફ્ટ કરાયા છે.’આ સ્કૂલ ગીચ વિસ્તારમાં છે એ જો તૂટી પડે તો જાનહાનિ થવાની મોટી શક્યતા છે.એટલે બીએમસીએ આ સ્કૂલ પાડી નાખવી જોઇએ,’એમ ચિંતિત સ્થાનિક રહેવાસીઓ કહે છે.
‘મુંબઇ મહાપાલિકાએ પોતાના નિયમોને અનુસરવા જોઇએ.આ મકાન પડે તો માત્ર જાનહાનિનું જ જોખમ છે એવું નથી પણ ચોમાસામાં એ મચ્છરોનું ઉછેર કેન્દ્ર પણ બની શકે છે,’એવો ભય મનસેના નેતા સંદીપ દેશપાંડે દર્શાવે છે.બીએમસીએ ખખડધજ જાહેર થયેલા ખાનગી મકાનો બળજબરીથી તોડી પાડયા છે.હવે એ જ બીએમસી પોતાના જર્જરિત બિલ્ડીંગો તોડી ન પાડી નાગરિકોના જી જોખમમાં મુકી રહી છે.
બીએમસીની ખખડધજ ઘોષિત થયેલી દુર્ઘાદેવી સ્કૂલ બિલ્ડીંગ દક્ષિણ મુંબઇના અતિ ગીચ વેપારી અને રહેણાંક વિસ્તાર કુંભારવાડામાં ઉભી છે સ્થાનિક વિધાનસભ્ય અતુલ શાહ કહે છે,’આ સ્કૂલની સામેનો રોડ માત્ર ૧૦-૧૨ ફુટ પહોળો છે.અહીં મોટા પાયે વેરારી પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી આ રોડ પર કાયમ ભીડ રહે છે.એટલે બીએમસીએ તત્કાળ આ બિલ્ડીંગ પાડી નાખવું જોઇએ કારણ કે એ સ્થાનિકો માટે જોખમી છે.કુંભારવાડામાં જુની ચાલીઓ છે અને જો આ બિલ્ડીંગ પડે તો એ બીજા મકાનોને પણ જોખમમાં મુકા શકે’જોઇન્ટ મહાપાલિકા કમિશનર અજિત કુંભારે આ સંદર્ભમાં એમ કહ્યું હતું કે હું આ બાબતમાં અપડેટ લઇશ.મહાપાલિકા નિયમો મુજબ ૩૦ વર્ષ જુના દરેક બિલ્ડીંગનું ચોમાસા પહેલા સ્ટ્રકચરલ ઓડિટ કરાવી એનો રિપોર્ટ બીએમસીને સુપરત કરવો પડે છે.બીએમસી જેમને તત્કાળ પાડી નાખવાની જરૃર હોય એવાં જોખમી મકાનોની યાદી પણ પ્રસિદ્ધ કરે છે.


