મહારાષ્ટ્રમાં ઊભી થયેલી રાજકીય કટોકટીના પગલે હાલમાં જાહેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમગ્ર સ્થિતિનું માટલું ભાજપના માથે ફોડી રહ્યા છે.અને આરોપ મુક્યો છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અઘાડી સરકારને તોડી પાડવાનું આ કાવતરું છે,પરંતુ એક એવી ચોંકાવનારી માહિતી પણ મળી રહી છે કે આ આખો ખેલ ઉદ્ધવ ઠાકરેની બ્લ્યૂ પ્રિન્ટ પ્રમાણે ચાલી રહ્યો છે,પોતાની જ સરકારના બાકીના અઢી વર્ષ મુખ્યમંત્રી રહેવા માટે તેમણે ભાજપ સાથે પાછલા બારણે હાથ મિલાવી આ રાજકીય સ્ટંટ ઊભો કર્યો છે.
શિવસેનાના મંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ક્રોસ વોટિંગ કરી ભાજપના ઉમેદવારોને મત આપ્યા હોવાની ચર્ચા પછી,સોમવારની મોડી રાત્રે એકનાથ શિંદે સુરતની મેરિડિયન હોટલમાં પહોંચી ગયા હતા. 30થી વધુ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સુરત આવી જતાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે.રાજકીય સમિક્ષકો ગણીત માંડી રહ્યા છે તે પ્રમાણે એકનાથ શિંદે અને તેમના સમર્થકો ભાજપમાં જોડાય તો પણ ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પષ્ટ બહુમતિ મેળવી શકતું નથી. ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડવાના અગાઉ કરેલા પ્રયાસો નિષ્ફળ જતાં ભાજપ આ વખતે કાચું કાપે તેમ નથી.
અઘાડી સરકારમાં નક્કી થયેલી ફોર્મ્યૂલા પ્રમાણે અઢી વર્ષ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહે અને બાકીના અઢી વર્ષ મુખ્યમંત્રી પદે એનસીપીના નેતા બેસે,ઉદ્ધવ ઠાકરેનો અઢી વર્ષનો મુખ્યમંત્રી તરીકેનો કાળ પુરો થવા આવ્યો છે અને એનસીપી પાસે સત્તાનું સુકાન સોંપવું પડે તેમ છે.એકનાથ શિંદેનું જુથ સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ અને એનસીપીનો વિરોધ કરી રહ્યું છે.
એકનાથ શિંદે અને તેમના જુથની જે માગણી છે અને દાવો છે તે પ્રમાણે તેઓ આજીવન શિવસૈનિક છે અને તેઓ ભાજપમાં જવાના નથી,પણ કોંગ્રેસ અને એનસીપીનો સાથ છોડી જો ભાજપનો સાથ લેવામાં આવે તો તેઓ પોતાનું ધારાસભ્ય પદ અને સરકાર બંનેને બચાવવા તૈયાર છે.મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી સમજનારા સુત્રોની જાણકારી પ્રમાણે સમગ્ર ઘટનાનું ટાઈમિંગ બહુ મહત્વનું અને સૂચક છે.કારણ કે, ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા એકનાથ શિંદે ઠાકરેનો મુખ્યમંત્રી કાળ પુરો થવા વખતે જ એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડવાની માગણી કરી રહ્યા છે.
ઉપરાંત શિવસેના અને ભાજપના સંબંધો તો જગજાહેર છે.અહીં સૂચક બાબત એવી છે કે ઉદ્ધવ ઠાકરેના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પણ મુંબઈ પ્રવાસ વખતે હાજર રહ્યા ન્હોતા.પ્રોટોકોલ પ્રમાણે વડાપ્રધાન જ્યારે એરપોર્ટ પર આવે ત્યારે રાજ્યના વડા તરીકે મુખ્યમંત્રીએ હાજર રહેવાનું હોય છે,પરંતુ ઉદ્ધવ ઠાકરે ક્યારેય નરેન્દ્ર મોદીને રિસિવ કરવા ગયા ન્હોતા.તાજેતરમાં જ દેશના સૌથી જુના ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર દ્વારા યોજવામાં આવેલા એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવ્યા ત્યારે ઉદ્ધવ ઠાકરે તેમને રિસિવ કરવા પહેલી વખત એરપોર્ટ પર પહોંચ્યા હતા.એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે અને ભાજપે કરેલી સમજૂતીના ભાગરૂપે આ બળવો પોકારવામાં આવ્યો છે.આખરે ઘીના ઠામમાં ઘી ઢળશે અને શિવસેના અને ભાજપ સાથે મળી નવી સરકારની
રચના કરશે જેમાં સમાધાનની ફોર્મ્યૂલા પ્રમાણે મુખ્યમંત્રી પદ ઉદ્ધવ ઠાકરે પાસે જ રહેશે તેવું ગણીત મંડાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ભાજપના 106 ધારાસભ્યોને એનસીપી કે કોંગ્રેસ તોડે નહીં તે માટે તેમને પણ ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ લાવવાની તૈયારીઓ કરાઈ રહી હોવાની વિગતો મળી રહી છે, સાથે જ અમિત શાહ પણ ગુજરાત આવવાના હોવાની વિગતો મળી રહી છે. ( NEWS COURTESY – NAVAJIVAN.IN )


