નવી દિલ્હી : બ્રાઝિલ,રશિયા,ભારત,ચીન અને દક્ષિણ આફ્રિકા(બ્રિક્સ)ના નેતાઓએ ગુરુવારે દુનિયાના બધા જ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને યુક્રેનમાં સર્જાયેલી કટોકટી તથા અફઘાનિસ્તાનની સ્થિતિ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તથા વિવાદાસ્પદ મુદ્દાઓનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
ચીન દ્વારા આયોજિત પાંચ દેશોના સંગઠનની વર્ચ્યુઅલ બેઠકના અંતે એક ઘોષણામાં જણાવાયું હતું કે,બ્રિક્સ દેશોના નેતાઓએ રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોને ટેકો આપ્યો હતો અને પૂર્વીય યુરોપીયન દેશોમાં અને આજુબાજુ માનવીય મદદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ચીનના પ્રમુખ શી જિનપિંગ,રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને બ્રાઝિલના જેર બોલસોનારો તથા દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસાએ હાજરી આપી હતી.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મા બ્રિક્સ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો પ્રકોપ ભલે પહેલાની સરખામણીમાં ઘટયો છે,પરંતુ તેના અનેક દુષ્પ્રભાવ હજુ પણ વૈશ્વિક અર્થતંત્રોમાં જોવા મળી રહ્યા છે.વૈશ્વિક અર્થતંત્રોના ગવર્નન્સ અંગે બ્રિક્સ સભ્ય દેશોનો દૃષ્ટિકોણ ઘણો સમાન રહ્યો છે.
તેથી આપણો પારસ્પરિક સહયોગ વૈશ્વિક અર્થતંત્રની રિકવરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.તેમણે ઉમેર્યું કે,પાછલા વર્ષોમાં આપણે બ્રિક્સમાં અનેક સંસ્થાગત સુધારા કર્યા છે,જેથી સંગઠનનો પ્રભાવ વધ્યો છે.આપણી ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના સભ્યોમાં વધારો થયો છે.એવા અનેક ક્ષેત્રો છે,જ્યાં પારસ્પરિક સહયોગનો આપણા નાગરિકોનો સીધો લાભ મળી રહ્યો છે.આ ક્ષેત્રમાં મુખ્યરૂપે રસીકરણ,કસ્ટમ વિભાગો વચ્ચે સમન્વયનો સમાવેશ થાય છે.

