અમદાવાદ : મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા મજૂર મહાજન સંઘમાં સત્તા માટે સાઠમારી ચાલી રહી હોવાની એક ફરિયાદ કરવામાં આવી છે.ઔદ્યોગિક કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ ૨૦૧૯માં ઇલેક્શન ડયૂ હ તું,છતાં આજદિન સુધી કોરોનાને નામે ઇલેક્શન કરાવ્યું જ નથી. ઇલેક્શન ન કરાવાની પ્રમુખ પદે રમણલાલ પટેલ,પ્રધાનમંત્રી તરીકે અમર બારોટ,મંત્રી તરીકે મહેન્દ્ર દેસાઈ અને મધુ પરમાર હોદ્દા પર ચીટકીને બેઠાં છે.જે ગેરકાયદેસર છે.
મજૂર મહાજન મજૂરોના હિતમાં કામ કરવા માટે રચાયેલી હોવા છતાંય તેના કેરટેકર તરીકે નિયુક્ત થયેલા વર્તમાન હોદ્દેદારો મજૂરોના હિતને હાનિ પહોંચે તેવા નિર્ણયો લઈ રહ્યા હોવાની ઔદ્યોગિક અદાલતમાં ફરિયાદ થઈ છે.આ ફરિયાદના અનુસંધાનમાં ઔદ્યોગિક અદાલતે મજૂર મહાજનના કેરટેકરોને આગામી છ જુલાઈ સુધીમાં કોર્ટ સમક્ષ તેમણે લીધેલા નીતિ વિષયક નિર્ણય સહિતની વિગતો જાહેર કરવા આજે આદેશ આપ્યો છે.ગેરકાયદે લેવાયેના નીતિ વિષયક નિર્ણયમાં કર્મચારીઓની નિમણૂકમાં પણ મળતિયાઓને ગોઠવતા હોવાનો આક્ષેપ થયો છે.નિવૃત્ત થઈ ગયા પછી વારંવાર મુકેશ શાહ,હસમુખ ઠક્કર સહિતની ચાર વ્યક્તિઓને નિમણૂક આપવામાં આવી રહી છે.
મજૂર મહાજનની કારોબારીની સંખ્યા ઘટી રહી છે,તેના પ્રમાણમાં મંત્રી મંડળના સભ્યોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવતો જ નથી.મજૂર મહાજનની કારોબારીના ટોચના ચાર હોદ્દેદારો પોતે માનદ સેવાઓ આપતા હોવાનો દાવો કરવામાં આવે છે,છતાંય દર મહિને નિશ્ચિત રકમ પગાર તરીકે ઉપાડી રહ્યા હોવાની પણ ફરિયાદ છે.વર્તમાન પ્રમુખ આપમુખત્યાર બની ગયા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમાં મહાત્મા ગાંધીના પુસ્તકના વિમોચનમાં કારોબારીના પ્રધાનમંત્રીને પણ રમણલાલ પટેલે જવા દીધા ન હોવાથી પણ અંદરોઅંદર નારાજગી વધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મજૂરોના હિત જોખમાય તે રીતે મિલમાલિકોની તરફેણમાં નિર્ણય લેવામાં આવી રહ્યા હોવાની સામાન્ય ફરિયાદ પણ મજૂર મહાજનના ટોચના હોદ્દેદારો સામે છે.કેરટેકર હોવા છતાં અંગત હિતો માટે કામદારોના હિતો સાથે સમાધાન કરવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે.


