મુંબઈ : મહારાષ્ટ્રના રાજકીય નાટકમાં અત્યાર સુધીમાં પડદા પાછળથી દોરી સંચાર કરી રહેલા ભાજપે હવે સ્ટેજ પર વિધિવત્ત એન્ટ્રીની તૈયાર કરી લીધી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ૧૭૦ ધારાસભ્યોનું પોતાને સમર્થન હોવાના દાવા સાથે આવતીકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે.ભાજપના આ દાવા બાદ રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે જણાવી શકે છે.એકનાથ શિંદેના વડપણ હેઠળના નેતૃત્વ હેઠળ બળવાખોરો સુરત પહોંચ્યા,ત્યાંથી તેઓ ગુવાહાટી પહોંચ્યા,બળવાખોરોના પરિવારોને કેન્દ્રીય સલામતી દળોનું સંરક્ષણ અપાયું,વડોદરામાં શિંદે અને ભાજપની ટોચની નેતાગીરી વચ્ચ ગુપ્ત બેઠકો યોજાઈ આ તમામ ઘટનાક્રમ પરથી એ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે શિંદેનો બળવો ભાજપનાં જ ઓપરેશન લોટ્સનો એક ભાગ છે.પરંતુ,ભાજપવાળા અત્યાર સુધી જાહેરમાં એવો જ ડોળ કરી રહ્યા છે આ બધું શિવસેનાની આંતરિક લડાઈનો ભાગ છે અને ભાજપને એક પક્ષ તરીકે તેની સાથે કોઈ લેવાદેવા નથી.મહારાષ્ટ્ર ભાજપના તમામ નેતાઓને આ મુદ્દે સંપૂર્ણ મૌન પાળવા સૂચના અપાઈ છે.
અગાઉ,૨૦૧૯માં વિધાનસભા ચૂંટણી બાદ અજીત પવાર સાથે સરકાર બનાવવાની ઉતાવળમાં ભાજપે ભારે નામોશી વેઠવી પડી હતી.આથી,આ વખતે ભાજપ એક એક ડગલું નક્કર હોય તેવી રીતે જ ચાલ રમે છે.શિંદે પાસે પક્ષાંતર વિરોધી ધારાને બેઅસર બનાવી શકાય એટલા ૩૭ ધારાસભ્યો થઈ ગયા અને અપક્ષો સહિત અન્ય પક્ષો સાથે તેમના સમર્થકો ૫૦ પર પહોંચ્યા તે પછી હવે ભાજપે મેદાનમાં આવવાનું નક્કી કર્યું છે.સુપ્રીમ કોર્ટમાં શિંદેએ કરેલી અરજી બાદ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા આડે હવે ૧૧ જુલાઈ સુધીની મુદ્દત મળી ચુકી હોવાથી ભાજપ હવે એક-બે દિવસમાં સમગ્ર ખેલ રચી દેવાના મૂડમાં છે. ભાજપના કેન્દ્રીય મંત્રી રાણાસાહેબ દાનવેએ ગઈકાલે જ જાહેર કરી દીધું હતું કે ઉદ્ધવ સરકાર હવે બે-ત્રણ દિવસની મહેમાન છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતાઓ આવતીકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે અને તેમની પાસે ભાજપના પોતાના ૧૦૬ ધારાસભ્ય,અન્ય આઠ સમર્થક ધારાસભ્યો અને તે ઉપરાંત શિંદે કેમ્પના ૫૦ ધારાસભ્યો અને બીજા સમર્થકો સાથે ૧૭૦ ધારાસભ્યોનો ટેકો છે તેમ જણાવશે.મહારાષ્ટ્ર વિધાનસભાનું કુલ સંખ્યાબળ ૨૮૮નું છે પરંતુ બે ધારાસભ્યો જેલમાં હોવાથી તથા એક ધારાસભ્યનું મૃત્યુ નીપજી ચૂક્યું હોવાથી અસરકારક સંખ્યા ૨૮૫ છે.આથી,બહુમતી માટેનું લઘુત્તમ સંખ્યા બળ ૧૪૩ થાય છે.ગુવાહાટીમાં એકનાથ શિંદેએ તેમના જૂથના તમામ ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હોવાની ઔપચારિક જાહેરાત આજે કરી હતી.હવે આ જ બાબત રાજ્યપાલને પણ ઔપચારિક રીતે જણાવાશે.તેને પગલે રાજ્યપાલ ઉદ્ધવ સરકારને ફ્લોર ટેસ્ટનો સામનો કરવા આદેશ આપી શકે છે.


