અમદાવાદ : તા.9 જુલાઈ 2022,શનિવાર : ગુજરાતને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરાયેલ મુંબઇની સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર.બી.શ્રીકુમારની જામીન અરજીની સુનાવણીમાં આજે સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના વકીલ તરફથી સમયની માંગ કરવામાં આવી હતી.સીટ તરફથી સુપ્રીમકોર્ટના ચુકાદા,કલોઝર રિપોર્ટ સહિતના સંબંધિત દસ્તાવેજો અને રેકર્ડ બહુ થોકબંધ હોવાથી તે રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવી હતી.જેને પગલે કોર્ટે બંને આરોપીઓની જામીનઅરજીની સુનાવણી તા.૧૫મી જૂલાઇએ રાખી હતી.
ઝાકીયા જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ અલગ કમીશનમાં રજૂ કરી આ કામના નિર્દોષ વ્યકિતઓને મૃત્યુદંડની સજાની જોગવાઇઓની કલમો મુજબ પ્રોસીડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રહે તે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું અને ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાના આરોપસર શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા તિસ્તા શેતલવાડ,આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુધ્ધ ફરિયાદ નોધવામાં આવી હતી.
આ કેસમાં તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીનઅરજીમાં આજે આરોપીપક્ષ તરફથી તેમની અરજીની સુનાવણી ઝડપથી હાથ ધરવા અને તેઓને ખોટી રીતે સંડોવી દીધા હોઇ જામીન આપવાની માંગણી કરવામાં આવી હતી.જો કે,સીટ દ્વારા આરોપીઓને જામીન આપવાની માંગણીનો સખત રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.સીટ દ્વારા આ કેસ સંબંધી થોકબંધ દસ્તાવેજો અને રેકર્ડ હોઇ તે રજૂ કરવા માટે પૂરતો સમય આપવા કોર્ટ સમક્ષ માંગ કરાઇ હતી,જેથી કોર્ટે તા.૧૫મી જૂલાઇ સુધીનો સમય આપ્યો હતો.


