અમદાવાદ : વાહનનું સલામત ડ્રાઈવિંગ કરીને અકસ્માત ન કરનારા વાહનધારકોને નો ક્લેઈમ બોનસ ઉપરાંત વીમાના પ્રીમિયમમાં વધારાની રાહત આપવાની વ્યવસ્થા કરતી વાહન વીમા પોલીસીઓ તૈયાર કરવાની સૂચના ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટીએ પાંચમી જુલાઈએ એક પરિપત્ર કરીને દરેક વીમા કંપનીઓને આપી છે.આ પોલીસીને પે એઝ યુ ડ્રાઈવનું નામ આપવામાં આવ્યું છે.આ પરિપત્ર મારફતે નક્કી કરવામાં આવેલી નવી નીતિ તત્કાળ અમલમાં મૂકી દેવાનો નિર્ણય લેવાયો હોવાનું પાંચમી જુલાઈના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટેએ કરેલા પરિપત્રમાં નવી સિસ્ટમથી પોલીસીઓ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.વિકસિત દેશોમાં પણ આ જ રીતે વીમો આપવામાં આવી રહ્યો હોવાનું વીમાના ક્ષેત્રના જાણકારોનું કહેવું છે.તેમાં તમારા વાહનનો સરેરાશ વપરાશ કેટલો છ તે પણ ધ્યાનમાં લેવાશે.તેમ જ તમે કેટલું સલામત ડ્રાઈવિંગ કરો છો તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે.દેશમાં વધુ ને વધુ લોકો વાહનના વીમાની પોલીસી લેતા થાય તે માટે પણ આ સૂચના આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.વર્ષ દરમિયાન મોટરના કેટલા અકસ્માતો થાય છે અને તેના ડેમેજ માટેના ક્લેઈમ કેટલા લેવામાં આવે છે તેને પણ ધ્યાનમાં લઈને પછી પોલીસી તૈયાર કરવામાં આવશે.
અત્યારે સામાન્ય રીતે વર્ષ દરમિયાન વીમાનો ક્લેઈમ ન કરનારાઓને નો ક્લેઈમ બોનસ આપવામાં આવે છે હવે નો ક્લેઈમ બોનસ ઉપરાંત પ્રીમિયમમાં પણ ૧૦થી ૨૦ ટકાની વધારાની રાહત આપવામાં આવશે.આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા હવે પછી જાહેર કરવામાં આવશે.કોરોના પછી વર્ક ફ્રોમ હોમ કરનારાઓના વાહનો પહેલા કરતાં ઓછા ચાલશે.તેમને માટે પણ અલગ પ્રકારના પ્રીમિયમની જોગવાઈ આ નવી પોલીસીના માધ્યમથી કરવામાં આવશે.વર્ક ફ્રોમ હોમ કરનારાઓ માટે કાર ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘણું જ ઓછું થઈ જશે. દરેક વાહન ચાલકને માટે અલગ અલગ પ્રકારની વીમા પોલીસી બને તેવી શક્યતા રહેલી છે.


