મોસ્કો : તા.09 જુલાઈ 2022 રવિવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ચાર મહિના કરતા વધારે સમય થઈ ચૂક્યો છે. બંને દેશને ભારે નુકસાન થયુ છે.હજારો સૈનિકોના મોત નીપજ્યા છે તેમ છતાં સ્થિતિ તણાવપૂર્ણ છે.યુદ્ધ જલ્દી પૂરુ થાય તેવા કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી.દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક નિવેદને આ ચિંતામાં વધારો કર્યો છે.
તાજેતરમાં જ વ્લાદિમીર પુતિને એક નિવેદનમાં કહ્યુ કે રશિયાએ હજી તો શરૂઆત પણ નથી કરી,સમય સાથે યુક્રેન સાથે શાંતિ વાર્તા વધુ મુશ્કેલ થઈ જશે.તમામને ખબર હોવી જોઈએ કે રશિયાએ હજુ સુધી કંઈ શરૂ કર્યુ નથી. અમે શાંતિ વાર્તાનુ સમર્થન કરીએ છીએ.પરંતુ જે આ ચર્ચાઓને ફગાવી રહ્યા છે તેમણે સમજવુ પડશે કે સમય સાથે આ વાતચીત કરવી,સમાધાન કરવુ વધારે મુશ્કેલ થઈ જશે.પુતિને પશ્ચિમી દેશો પર પણ નિશાન સાધતા કહ્યુ કે તે માત્ર પ્રૉક્સી વોર કરી રહ્યા છે.રશિયાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.
હવે આ એક નિવેદન કેટલીય અટકળોને વેગ આપી રહ્યુ છે.શુ પુતિન આગામી દિવસોમાં યુક્રેન પર વધુ આક્રમક વલણ અપનાવવા જઈ રહ્યા છે.જ્યારે તેઓ કહે છે કે હજી તો શરૂઆત પણ નથી કરી,શુ રાષ્ટ્રપતિ કોઈ મોટી રણનીતિ પર કામ કરી રહ્યા છે.
અત્યારે કંઈ જ સ્પષ્ટ કહી શકાય તેમ નથી,પરંતુ વર્તમાનમાં જે રીતે રશિયાએ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં નિયંત્રણ મેળવ્યુ છે.આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ વિસ્ફોટક બની શકે છે.તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના લોહાંસ્ક વિસ્તારમાં પૂર્ણ કબ્જો જમાવ્યો હતો.તેની સફળતા બાદ રશિયા હવે ડોનસ્ક ક્ષેત્ર પર પણ પોતાનો દબદબો મેળવવા ઈચ્છે છે.આ કારણથી રશિયન સેના સ્લોવિંસ્ક અને ક્રામટોરસ્ક વિસ્તારમાં સૌથી વધારે હુમલા કરી રહ્યુ છે.જો આ વિસ્તાર પર રશિયા પોતાનો કબ્જો જમાવી લે છે તો આવી સ્થિતિમાં ડોનેસ્ક વિસ્તાર પણ તેની પકડથી વધારે દૂર રહેશે નહીં.


