ઇલૉન મસ્કે જાહેર કર્યું કે તેઓ ટ્વિટરને ખરીદવા માટેની ડીલને સમાપ્ત કરી રહ્યા છે અબજોપતિ ઇલૉન મસ્ક પોતાના નિર્ણયોથી સતત દુનિયાને ચોંકાવતા રહે છે.હવે તેમની એક જાહેરાતથી ટ્વિટરના કર્મચારીઓને જ નહીં,પરંતુ આખી દુનિયાને શૉક લાગ્યો છે.મસ્કે કહ્યું હતું કે તેઓ ટ્વિટરને ખરીદવા માટેની ડીલને સમાપ્ત કરી રહ્યા છે.જોકે એ કદાચ લાંબી લીગલ લડાઈની શરૂઆત હોઈ શકે છે.ઇલૉન મસ્કે કહ્યું હતું કે ટ્વિટરે સ્પામ અકાઉન્ટ્સ વિશે પૂરતો ડેટા ન આપીને તેમ જ કેટલાક એક્ઝિક્યુટિવ્સ અને રિક્રૂટર્સને છોડીને એપ્રિલમાં કરવામાં આવેલા ૪૪ અબજ ડૉલર(૩૪૯૦.૬૪ અબજ રૂપિયા)ના મર્જર ઍગ્રીમેન્ટની અનેક જોગવાઈઓને ભંગ કર્યો છે.
મસ્કના લોયર્સે જણાવ્યું હતું કે‘ટ્વિટર દ્વારા ફેક કે સ્પામ અકાઉન્ટ્સ વિશેની માહિતી માટેની અનેક વિનંતીને ફગાવી દેવામાં આવી છે કે એના પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.હવે ટ્વિટરનું બોર્ડ આ ડીલ લાગુ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.’ઇલૉન મસ્કે જાન્યુઆરીથી ટ્વિટરને ખરીદવાની તૈયારીઓ કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં આ મામલે આવેલા ખૂબ ઉતાર-ચડાવને રજૂ કરવા ટ્વિટરના એન્જિનિયર્સ,માર્કેટિંગ લીડર્સ અને એના અન્ય સ્ટાફ મેમ્બર્સે રોલરકોસ્ટર રાઇડ અને ફોન પર ચિલાતા બાળક જેવા અનેક મીમ્સ શૅર કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે એમ જણાય છે કે જાણે એક સર્કસ પૂરું થયું.
નોંધપાત્ર છે કે ટ્વિટરે ગયા મહિને કર્મચારીઓને જણાવ્યું હતું કે એ યુઝર્સની સંખ્યા વધારાવાના ટ્રૅક પર છે.બીજા ત્રિમાસિકમાં ૧.૩૦ કરોડ નવા યુઝર્સ ઉમેરાયા હતા.ઑટોમેકર ટેસ્લા અને રૉકેટ કંપની સ્પેસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ મસ્કે તાજેતરમાં જ ટ્વિટરના સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આ કંપનીના યુઝર્સ ૨૨.૯૦ કરોડથી વધારીને ઓછામાં ઓછા એક અબજ થાય.


