અમદાવાદ : અમદાવાદમાં રવિવાર સાંજના છ કલાકથી શરુ થયેલા ધમાકેદાર વરસાદ બાદ શહેરભરમાં અષાઢમાં જળતાંડવ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી.ચોવીસ કલાકમાં પાલડીમાં ૧૮ અને ઉસ્માનપુરામાં ૧૫ ઈંચ ઉપરાંત બોડકદેવમાં ૧૩ અને જોધપુરમાં ૧૨ ઈંચ વરસાદ અનારાધાર ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.આકસ્મિક સર્જાયેલી આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનર સોમવાર સવાર સુધી ફિલ્ડમાં જોવા મળ્યા હતા.
શહેર માથે આભ ફાટયુ હોય એમ રવિવારે સાંજે છથી રાત્રિના દસ સુધીમાં શહેરના તમામ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડયા બાદ વરસાદે થોડો સમય વિરામ લીધો હતો.રાત્રિના બે કલાક સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા અંડરપાસ ટ્રાફિકની અવરજવર માટે કાર્યરત રાખી શકાય એ માટેના પ્રયાસ હાથ ધરાયા હતા.દરમિયાન રવિવારે મોડી રાત્રિના બે કલાકે ફરી એક વખત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસવાની શરુઆત થતા મ્યુનિસિપલ તંત્રના પ્રયાસો ટૂંકા પડી ગયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતું.મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ,પાણી સમિતિના ચેરમેન જતીન પટેલ ઉપરાંત મ્યુનિ.ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ સહિત શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ ફિલ્ડમાં ઉતર્યા હતા.
રાત્રિના બે કલાકે ફરીથી શરુ થયેલા વરસાદની ગતિ રવિવારે સાંજના સમયમાં વરસેલા વરસાદથી પણ વધુ હોવાથી શહેરના મોટાભાગના અંડરપાસમાં ફરી પાણી ભરાતા તંત્રને અંડરપાસ ફરી એક વખત બંધ કરવાની ફરજ પડી હતી.ઘણાં લાંબા સમય બાદ સમગ્ર શહેરમાં જળતાંડવ ચાલતુ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.
સોમવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં શહેરના પાલડી વિસ્તારમાં સૌથી વધુ અઢાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સાથે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી પ્રવેશ્યા હતા.વીજ પુરવઠો પણ રવિવારના રાતના સમયથી ખોરવાઈ ગયો હતો જે સોમવારે બપોર બાદ ફરી સ્થાપિત થઈ શકયો હતો.પાલડી જેવી જ પરિસ્થિતિ ઉસ્માનપુરા ઉપરાંત બોડકદેવ અને જોધપુર તેમજ મકતમપુરા વોર્ડમાં જોવા મળી હતી.મકતમપુરા વોર્ડમાં પાણીની સમસ્યાને લઈ કરવામાં આવી રહેલી રજુઆતને મેઘરાજાએ સાંભળી લીધી હોય એમ ચોવીસ કલાકમાં બાર ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.સોમવારે સાંજે ચાર કલાકની સ્થિતિએ વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૨૭ ફુટ નોંધાયેલી છે.બેરેજના બે દરવાજા ત્રણ ફુટ જેટલા ખુલ્લા રાખવામાં આવ્યા છે.પરિમલ અને દક્ષિણી અંડરપાસ સિવાય અન્ય અંડરપાસ સંપૂર્ણ કાર્યરત છે.


