બારડોલી : બારડોલી તાલુકાનાં મઢી ગામે મઢી સ્યાદલા રોડ પર મીંઢોળા નદી પર હાલમાં જ બનેલા પૂલના સળિયા દેખાવા લાગતાં કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.એકાદ વર્ષ પહેલા જ સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા આ પૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બારડોલી સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હોય રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.નવાઈનો વાત તો એ છે કે હાલમાં જ બનેલા રસ્તાઓ અને પુલ પણ બિસ્માર થઈ જતાં એજન્સીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.મઢી થી સ્યાદલા જતાં માર્ગમાં મીંઢોળા નદી પર લગભગ એકાદ વર્ષ પહેલા જ નવો પુલ બનાવવામાં આવ્યો હતો.
જેનું ઉદ્ઘાટન વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયાએ કર્યું હતું. જો કે ઉદ્ઘાટનના થોડા સમયમાં પહેલો વરસાદ પડતાં જ પુલના સળિયા દેખાવા માંડ્યા હતા.પુલ પર ઊંડા ખાડાઓ પડી જતાં વાહન ચાલકોએ પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.પોતાને પુલ બનનાર ધારાસભ્ય તરીકે ઓળખવતા મોહન ઢોડિયાએ ખરાબ ગુણવત્તા વાળું કામ કરનાર એજન્સી સામે કાર્યવાહી જે તે વિભાગને સૂચના આપી કરાવવી જોઈએ એવી માંગ પણ વિસ્તારના લોકો કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે પુલ બનાવવામાં નકરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેથી જ પહેલા જ ચોમાસે સળિયા દેખાતા થઈ ગયા હોય પુલ કેટલો મજબૂત હશે તે અંગે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.આ અંગે સ્થાનિક અગ્રણી સ્નેહલ શાહે જણાવ્યુ હતું કે,નવો પુલ હોવા છતાં પહેલા જ ચોમાસે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.મોટા મોટા ખાડા પડી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે લગતા વળગતા તંત્રએ પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપી જે તે એજન્સી સામે કાર્યવાહી કરવી જોઈએ.


