સુરત : સુરત મ્યુનિ.ના બીજા સૌથી મોટા હદ વિસ્તરણ બાદ સ્ટાફની અછતને પહોંચી વળવા માટે સુરત મ્યુનિ.માં તબક્કાવાર 3567 કર્મચારીઓને કાયમી ભરતી કરવા માટેનો નિર્ણય કર્યો છે.સ્ટાફની માંગણી અંગે ભૂતકાળમાં થયેલા માંગણી બાદ કમિટી બનાવવામાં આવી હતી આ કમિટીના રિપોર્ટ બાદ સરકારના ભૂતકાળ ના પરીપત્રના આધારે સ્થાયી સમિતિએ આ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.સુરત પાલિકાના હદ વિસ્તરણ સુરત શહેરનો વિસ્તાર 474 ચો.કિમી થઈ ગયો છે અને ઝોનની સંખ્યામાં પણ વધારો થતાં ઝોનની સંખ્યા 9 થઈ ગઈ છે.આ ઉપરાંત સુરત શહેરની વસ્તી 60 લાખનો આંકડો પાર કરી ગઈ છે.જેના કારણે સુરત મ્યુનિ.નો જુનો સ્ટાફ ટૂંકો પડતો હતો.સ્ટાફની જરૃરિયાત હતી પરંતુ પાલિકાએ એક જ અધિકારીઓ વધુ વિભાગ સોંપીને કામગીરી કરાવવામાં આવે છે.જોકે,
પાલિકા કમિશનર દ્વારા હદ વિસ્તરણ બાદ વિવિધ ઝોન/વિભાગોની સ્ટાફની માગણી દ્બધ્યાને રાખી ૨૧મી જાન્યુઆરી 2021 ના રોજ ચાર અધિકારીઓની કમિટી બનાવી મહેમકની જરૃરિયાત બાબતે અભ્યાસ કરી રીપોર્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.આ કમિટી દ્વારા અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરી દેવામા આવ્યો છે અને આ રિપોર્ટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે.પાલિકાના વિવિધ કેડરની સ્ટાફની ભરતી કરવી હોય અને ઘટ ન થવા દેવી હોય તો નવા બે ઝોન સહીત નવ ઝોન અને વિવિધ વિભાગોની જરૃરિયાત ધ્યાને રાખી વિવિધ કેડરની ૩૫૬૭ જગ્યા કાયમી ધોરણે ઉપસ્થિત કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.જેમાં આસિ.મ્યુ.કમિશનર અને કાર્યપાલક ઇજનેરની 8 જગ્યાનો પણ સમાવેશ થાય છે.
દરખાસ્તમાં વર્ગ 1થી વર્ગ 4ની જરૃરિયાતને આધારે મહેકમ વિભાગ દ્વારા આ કાયમી જગ્યાઓ ઉભી કરવા અને કેટલીક જગ્યાએ મહેકમ પરિશિષ્ટમાં સુધારા કરવાની દરખાસ્ત રજૂ કરી છે.જેમાં એવું પણ સૂચવાયું છે કે પ્રવર્તમાન મહેકમ શેડયૂલ્ડ યથાવત રાખવામાં આવશે અને વિવિધ ઝોન/વિભાગોની જરૃરિયાત મુજબ આ મહેકમ શિડયુલ્ડ પરની જગ્યાઓ કાયમી ધોરણે ઉપસ્થિત કરવાની ભલામણ કરવામાં આવી છે.આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ આવી હતી સ્થાયી સમિતિએ સરકારના પરિપત્ર મુજબ ભરતી કરવાનો નિર્ણય કરવા સાથે દરખાસ્ત મંજુર કરી દીધી છે.

