મુંબઈ : મહારાષ્ટ્રમાં મૂશળદાર વરસાદને લીધે અનેક સ્થળે પૂરની સ્થિતિ સર્જાય છે.પાલઘરમાં વૈતરણા નદીમાં પાણીની સપાટી વધતા બોટમાં ફસાય ગયેલા ૧૩ કામગારને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમે ૧૫ કલાક સુરક્ષિત પણે બચાવી લીધા હતા.જ્યારે ચંદ્રપુરમાં નદીમાં પૂર આવતા બાવીસ ડ્રાઇવર ટ્રકની અંદર જ બે દિવસથી ફસાય ગયા હતા.તેમને પોલીસે હેમખેમ બચાવી લીધા હતા.આ સિવાય ભંડારામાં મંદિરની અંદર અટવાય ગયેલા ૧૫ ભક્તનો જીવ બચાવવામાં આવ્યો હતો.
મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કામગાર કામ કરવામાં મશગૂલ હતા.તેઓ બોટમાં નદીમાં જતા હતા.પાલઘરમાં વૈતરણા નદીની સપાટી વધતા તેઓ ફસાય ગયા હતા.બનાવની જાણ થતાએનડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઇ હતી.છેવટે ૧૫ કલાકની ભારે જહેમત બાદ ૧૩ કામગારને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ચંદ્રપુરમાં શોર્ટકટ લેવા જતા લકઝરી બસ પૂરના પાણીમાં તણાઇ રહી હતી.પોલીસની સમયસસૂચકતાથી ૩૫ પ્રવાસીને બચાવવાની ઘટના હજી ભૂલાઇ નથી.ચંદ્રપુરમાં ગડચાંદૂર-ધાનોરા માર્ગ પર ભોયગાવ નજીક બે દિવસથી ૨૨ ડ્રાઇવર ટ્રકમાં ફસાય ગયા હતા.પોલીસની મદદથી તેમને બચાવવામાં આવ્યા હતા.ઉપરાંત પાલિકાની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી ૫૯૧ જણને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.ભંડારાના તુમસર જિલ્લામાં માડગી ખાતે ૧૫ ભક્ત મંદિરમાં ગયા હતા.તે સમયે વૈણગંગા નદીની પાણીની સપાટી વધી ગઇ હતી.આથી તેઓ મંદિરમાં જ અટવાય ગયા હતા.તેમને આજે સવારે એનડીઆરએફે હેમખેમ મંદિરમાંથી બહાર કાઢયા હતા.


