નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ બચાવ અને રાહતકામગીરી યથાવત્,વિવિધ ગામોમાંથી ૮૧૧ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ ગઈ કાલે બીજા દિવસે પણ બચાવ અને રાહતકામગીરી યથાવત્ રહી હતી.પૂરનાં પાણી વચ્ચે બચાવકામગીરી માટે ગામમાં આવેલી નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ(એનડીઆરએફ)અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફન્ડ(એસડીઆરએફ)ની ટીમોને જોઈને પૂરનાં પાણીમાં ફસાયેલા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.અતિભારે વરસાદને પરિણામે ગઈ કાલે નવસારી જિલ્લાનાં વિવિધ ગામોમાંથી ૮૧૧ લોકોને રેસ્ક્યુ કરાયા હતા.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામે વરસાદી પાણી ચોતરફ ભરાઈ જતાં આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો.આ ગામમાં એનડીઆરએફ.ની ટીમ બચાવકામગીરી માટે પહોંચી ગઈ હતી અને પાણીમાં ફસાયેલાં ૪૧ જણને રેસ્ક્યુ કર્યા હતા.આ ઉપરાંત ગણદેવી તાલુકાના સોનવાડી અને કલમઠા ગામમાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં,જેમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.જલાલપોર તાલુકાના મેધર ગામમાં ભરાયેલાં પાણીમાં જિંગા તળાવમાં ૫૭ મજૂરો ફસાયા હતા તેમને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને ગામની શાળામાં ખસેડવામાં આવ્યા હતા.


