નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમએનએસના નેતાના ઘરે દોઢ કલાક ચર્ચા કરતાં રાજ્યમાં નવી રાજનીતિ શરૂ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાંની ચર્ચા એકનાથ શિંદે જૂથ સાથે બીજેપીએ સરકારની સ્થાપના કર્યા બાદ ગઈ કાલે પહેલી વખત નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના બીજેપીના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ-મનસે)ના નેતા રાજ ઠાકરેની તેમના દાદરના ઘરની મુલાકાત લીધી હતી.બન્ને નેતાઓ વચ્ચે દોઢ કલાક લાંબી ચર્ચા થઈ હોવાથી રાજ્યના રાજકારણમાં કશી નવા-જૂની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉદ્ધવ ઠાકરેને આંચકો આપવા માટે બીજેપી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને પ્રધાનમંડળમાં સામેલ કરે એવી ચર્ચા થઈ રહી છે ત્યારે આ બન્ને નેતાઓ વચ્ચેની બેઠક મહત્ત્વની માનવામાં આવી રહી છે. એકનાથ શિંદે જૂથ સાથે સરકાર બનાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકાર્યું હતું એની પ્રશંસા કરતો પત્ર રાજ ઠાકરેએ લખ્યો હતો.રાજ ઠાકરેએ પ્રશંસા કર્યા બાદ ટૂંક સમયમાં રાજ ઠાકરેની મુલાકાત લેવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.ગઈ કાલે બપોરે તેઓ રાજ ઠાકરેના દાદરમાં આવેલા શિવતીર્થ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.રાજ ઠાકરેએ તાજેતરમાં હીપની સર્જરી કરાવી હોવાથી તેમની તબિયત પૂછવા માટે રાજ ઠાકરેને મળવા ગયા હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
જોકે એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ રાજ્યના રાજકારણમાં જબરદસ્ત ઊથલપાથલ થઈ હોવાની સાથે રાજ ઠાકરેએ પણ હિન્દુત્વતરફી વલણ અપનાવીને મસ્જિદ પરનાં લાઉડ સ્પીકરનો વિરોધ શરૂ કર્યો છે.આની પાછળ પણ કહેવાય છે કે બીજેપી છે.આથી રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે,શરદ પવાર અને કૉન્ગ્રેસનો એકડો કાયમ માટે કાઢી નાખવા બીજેપી રાજ ઠાકરે સાથે મળીને તેમની ઠાકરે સરનેમનો કોઈક રીતે ઉપયોગ કરીને નવો ધડાકો કરવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.જોકે દેવેન્દ્ર ફડણવીસ કે રાજ ઠાકરે તેમ જ બન્ને પક્ષના નેતાઓ આ બાબતે મગનું નામ મરી નથી પાડતા,પણ ચર્ચા છે કે રાજ્યના નવા પ્રધાનમંડળમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને સામેલ કરીને બીજેપી રાજ્યમાં સંદેશ આપવા માગે છે કે અમારી સાથે શિવસેના અને ઠાકરે બન્ને છે.આથી બન્ને ટોચના નેતાની બેઠક મહત્ત્વની મનાઈ રહી છે.


