ઘણા દિવસ વરસાદે બૅટિંગ કર્યા બાદ હવે એનું જોર ઘટશે:ભારે વરસાદ અને જોરદાર પવનને લીધે શહેરના તાપમાનમાં થયો ત્રણ ડિગ્રીનો ઘટાડો હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં ગઈ કાલે અમુક સ્થળે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.જોકે પાલઘર,રાયગઢ,પુણે,સાતારા અને નાશિક સહિતના કેટલાક ભાગમાં ગઈ કાલે પણ મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો,જને પગલે વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.આ સાથે આ વર્ષે વરસાદને લીધે મૃત્યાંક ૧૦૨ થયો છે,જ્યારે પાણી ભરાવાની સાથે પૂરને લીધે રાજ્યભરમાં ૭૯૬૩ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ભારે વરસાદને લીધે મુસીબતમાં ફસાયેલા લોકોની મદદ માટે ૧૪ એનડીઆરએફ અને ૬ એસડીઆરએફની ટીમ વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી ગઈ કાલે કરી હતી.
થોડા દિવસ ભારે વરસાદ અને જોરદાર હવાને કારણે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાથી શહેરમાં સારી એવી ઠંડક થઈ છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડવાની સાથે જોરદાર હવા ફૂંકાઈ હતી.ચારેક દિવસથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો હતો, જે ગઈ કાલે ધીમો પડતાં મુંબઈગરાઓએ રાહતનો દમ લીધો હતો.જોકે રાજ્યના અનેક વિસ્તારમાં આજે અને આવતી કાલે પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જારી કરી છે.ભારે વરસાદને પગલે કોંકણમાં અનેક સ્થળોએ પહાડ પરથી પથ્થર પડવાથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ,થાણે અને પાલઘરમાં ગઈ કાલે વરસાદનું પ્રમાણ ઓછું થયું હતું.હવામાન વિભાગે પાલઘરમાં કેટલેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઑરેન્જ અલર્ટ જારી કરી છે.
છેલ્લા ૨૪ કલાકમાં વરસાદને લીધે બુલઢાણા,નાશિક અને નંદુરબાર જિલ્લામાં ૧-૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ સાથે આ ચોમાસામાં વરસાદ સંબંધી મૃત્યાંક ૧૦૨ થયો છે.પુણેમાં પર્યટન સ્થળોએ કલમ ૧૪૪ લાગુ કરાઈ ભારે વરસાદની આગાહી વચ્ચે પર્યટન સ્થળોએ પહોંચતા લોકોની સુરક્ષા માટે પુણે જિલ્લામાં આવેલા કિલ્લા,ડૅમ,તળાવ,ધોધ સહિતનાં પર્યટન સ્થળોએ કલમ ૧૪૪ લાગુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.પુણે જિલ્લાના કલેક્ટર ડૉ.રાજેશ દેશમુખે આવતી કાલ સુધી આ આદેશ આપ્યો છે.વરસાદમાં મોટી સંખ્યામાં પર્યટકો સિંહગઢ,લોહગઢ,વીસાપુર તુંગ સહિતના કિલ્લા ઉપરાંત અનેક પર્યટન સ્થળોએ આવેલા છે,જ્યાં ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.ભારે વરસાદને પગલે અહીં આવેલા પર્યટકો મુશ્કેલીમાં ન મુકાય એ માટે કલેક્ટરે આ નિર્ણય લીધો છે.


