– 33 વર્ષ જૂના કેસમાં હવે પહેલી ઓગસ્ટે વધુ સુનાવણી
– સીઆરપીસી અનુસાર કેસના સહ આરોપીને ફરિયાદીના સાક્ષીની ઉલટ તપાસનો અધિકાર નહીં હોવાની સીબીઆઈની દલીલ
મુંબઇ : મુંબઇમાં ૧૯૮૯માં ઉદ્યોગપતિ નસલી વાડિયાની હત્યા કરવાના નિષ્ફળ કાવતરાંના આરોપીએ સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરીને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની માગણી કરતાં સીબીઆઇએ તેની આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આરોપીને ફરિયાદ પક્ષના સાક્ષીને ઉલટતપાસ માટે બોલાવવાનો અધિકાર નથી.સીબીઆઇએ જણાવ્યું હતું કે કેસના આ તબક્કે આરોપીને વધુ તપાસ કરવાનો કોઇ અધિકાર નથી અને તેની અરજીને ફગાવી દેવી જોઇએ.
આ કેસની સિલસિલાબંધ વિગતો એવી છે કે ૧૯૮૯માં ઉદ્યોગપતિ નસલી વાડિયા તેમની ઓફિસથી વરલીના તેમના ઘરે જતાં હોય ત્યારે રસ્તામાં જ તેમને આંતરી તેમની ગોળી મારી હત્યા કરવાનું કાવતરૂ ઘડવાના આરોપસર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.આ કેસમાં એ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતાં કિર્તી અંબાણી આ કેસના મુખ્ય આરોપી હતા.જેમનું હવે અવસાન થઇ ચૂક્યું છે.પોલીસે આ કેસમાં કિર્તી અંબાણી ઉપરાંત અર્જૂન બાબરિયા, રમેશ જાગોથિયા અને ઇવાન સિકવેરા સામે વેપારમાં દુશ્મનીને કારણે નસલી વાડિયાને મારી નાંખવાના કાવતરાંનો કેસ નોંધ્યો હતો.એ જ વર્ષે આ કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.અન્ય આરોપીઓ અવસાન પામ્યા છે ત્યારે ઇવાન સિકવેરાએ સ્પેશ્યલ કોર્ટમાં ગયા સપ્તાહે આ કેસમાં સાક્ષી આપનારાં મુકેશ અંબાણીની ઉલટતપાસ કરવા માટે તેમને બોલાવવાની દાદ ચાહતી અરજી કરી હતી.જેનો સીબીઆઇએ વિરોધ કર્યો હતો.આ કેસની વધુ સુનાવણી હવે પહેલી ઓગસ્ટે પર મુલત્વી રાખવામાં આવી છે.
નોંધપાત્ર બાબત એ છે કે ગુરૂવારે આ કેસની સુનાવણી હતી ત્યારે સિકવેરા અદાલત સમક્ષ હાજર થયો નહોતો.તેના વકીલે પણ તેની પેરવી કરવાની ના પાડી દીધી હોવાનું મનાય છે.આ કેસમાં પહેલી એફઆઇઆર ૩૧ જુલાઇ ૧૯૮૯માં નોંધાવવામાં આવી તેના ૧૪ વર્ષ બાદ ૨૦૦૩માં ખટલાની સુનાવણી શરૂ થઇ હતી.સીબીઆઇએ ૧૯૯૦માં જ મુકેશ અંબાણીનું નિવેદન નોંધ્યું હતું.જેમાં મુકેશ અંબાણીએ આ કહેવાતા કાવતરાંની તેમને કાઇ જાણ ન હોવાનું જણાવ્યું હતું.કિર્તી અંબાણીની ધરપકડ બાદ જ તેમને આ કાવતરાંની જાણ થઇ હતી.કિર્તી અંબાણી કંપનીનો કર્મચારી હતો અને અંબાણી પરિવાર સાથે તેનો કોઇ સંબંધ નથી.
જુન ૨૦૧૬માં નોંધવામાં આવેલી નસલી વાડિયાની જુબાનીમાં તેમણે બંને ઉદ્યોગગૃહો વચ્ચે પ્રવર્તતી દુશ્મનાવટની વાત કરી હતી.તેમણે પણ તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા તે પછી જ તેમને આ કાવતરાંની જાણ થઇ હતી.કિર્તી અંબાણીએ અરજી કરતાં સ્પેશ્યલ કોર્ટે પ્રસાર માધ્યમોને આ બંને જૂથો વચ્ચે પ્રવર્તતી દુશ્મનાવટની વિગતો પ્રકાશિત કરતાં અટકાવ્યા હતા.
આ કેસના એક આરોપી ઇવાન સિકવેરાએ ગયા અઠવાડિયે સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી મુક્ેશ અંબાણીને સાક્ષી તરીકે બાલાવવાની માગણી કરી હતી.જેનો વિરોધ કરતાં સીબીઆઇએ જણાવ્યું હતું કે આરોપીને ફરિયાદ પક્ષના સાક્ષીને ઉલટતપાસ માટે બોલાવવાનો કોઇ અધિકાર નથી.આરોપનામામાં જણાવેલા સાક્ષીઓને તપાસવાનો કે તેેમને પડતાં મુકવાની ફરિયાદ પક્ષની મુનસફી હોય છે.ફરિયાદપક્ષના સાક્ષીને ઉલટતપાસ માટે બોલાવવાનો આરોપીને કોઇ અધિકાર નથી.આરોપીની માગણી ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઇઓથી વિરૂદ્ધ છે અને આ અરજી કાનુની રીતે ટકી શકે તેમ નથી.
સીબીઆઇએ સિકવેરાની અરજીના વિરોધમાં સોગંદનામું નોંધાવ્યું હતું.સીબીઆઇએ દલીલ કરી હતી કે આ કેસની તપાસ આ વર્ષે ફેબુ્રઆરીમાં બંધ કરી દેવામાં આવી છે અને અદાલતને જાણ કરવામાં આવી છે કે આ કેસમાં વધુ કોઇ સાક્ષીઓને તપાસવાની અમારી ઇચ્છા નથી.સીબીઆઇએ તેના જવાબમાં ઉમેર્યું હતું કે ૪૧ સાક્ષીઓને તપાસ્યા બાદ ૨૭ જુને આકેસમાં પુરાવા નોંધવાનું બંધ કરવામાં આવ્યું છે.ફરિયાદ પક્ષે મુકેશ અંબાણી સહિત બાકીના તમામ સાક્ષીઓને પડતાં મુક્યા છે.ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૬૧ હેઠળ નોંધવામાં આવેલું નિવેદન કાયદા અનુસાર અદાલતમાં રજૂ ન થઇ શકે.


